બાપા સીતારામ ચોકમાં રસ્તા પર પડેલા ખાડાની પૂજા કરી વિરોધ
\રાજકોટ શહેરના મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે રોડની બિસ્માર સ્થિતિને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રોડ પર પડેલા ઊંડા ખાડાઓને હાર પહેરાવી, શ્રીફળ ચડાવી અને અગરબત્તી કરીને તેમનું પૂજન કરવામાં આવ્યું, જેથી તંત્રની નિષ્ક્રિયતા સામે વ્યંગાત્મક રીતે ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો.
વિશેષ એ રહ્યું કે રોડ પર પડેલા ખાડાઓ વાહનચાલકો માટે જોખમી બની ગયા છે. નાના મોટા વાહનચાલકો, ખાસ કરીને બે વિલર ડ્રાઇવરો અને સાયકલ ચાલકો રોજ આ ખાડાઓમાં હચમચતા જોવા મળે છે. વરસાદના શરૂૂ થતા જ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ તૂટેલા હાલતમાં છે અને સ્થળે સ્થળે ખાડા પડેલા છે.
વિસ્તારના રહેવાસીઓ અને આગેવાનોના જણાવ્યા મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર પૂરતી રહી છે. મેદાન પર તેની અસર જોવા મળતી નથી. જો સમયસર યોગ્ય કામગીરી ન થાય તો વરસાદ વધુ પડતા આ ખાડાઓ જીવલેણ બની શકે છે.
આ અનોખા વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર માથુરભાઈ માલવી, કેતન તાળા, પ્રકાશ વેજાપરા તેમજ કોંગ્રેસના અન્ય આગેવાનોએ હાજરી આપી હતી અને તંત્રની નિષ્ક્રિયતા સામે તીખા પ્રહારો કર્યા હતા. આગેવાનો દ્વારા માગ ઉઠાવવામાં આવી કે મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી રસ્તાઓની મરામત કરે અને નાગરિકોને રાહત આપે.
વિરોધની અંતે કોંગ્રેસ આગેવાનોએ ચેતવણી આપી કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને મહાનગરપાલિકાની સામે સંયુક્ત નાગરિક આંદોલન ઊભું કરાશે.