ખાતરીઓ ઉપર પાણીઢોળ, રાજકોટ-ગોંડલ હાઈવે ફરી 4 કલાક જામ
સર્વિસ રોડ ઉપર ટ્રક બંધ પડી જતાં બે કલાકે ક્રેઈન પહોંચી, ક્ધટ્રોલ રૂમમાં પણ ગોળગોળ જવાબો મળ્યા, બાઉન્સરો પણ દેખાયા નહીં
ઉગ્ર આંદોલન બાદ અઠવાડિયું વ્યવસ્થા રહી, પછી ફરી બધું ભગવાન ભરોસે
રાજકોટ-ગોંડલ હાઈવે પર ચાલતા સિકસ લેનના કામ માથાના દુ:ખાવારૂપ બની રહ્યું છે. દરરોજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કલેકટર દ્વારા આ મામલે તાત્કાલીક કાર્યવાહી કરવા કોન્ટ્રાકટરોને સુચના આપી વાહન ચાલકોને અગવડતા ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતું. ઉગ્ર આંદોલન બાદ અઠવાડિયા સુધી વ્યવસ્થા સુમેળે ચાલી અને બાદમાં પરિસ્થિતિ જૈસે થે થઈ ગઈ. ગઈકાલે ગોંડલ રાજકોટના સિકસ લેનના ધીમા કામ અને બીજી તરફ એક ટ્રક બંધ પડી જતાં સર્વિસ રોડ પર બંધ પડેલા ટ્રકને કાઢવા માટે કોઈ વ્યવસ્થા નહીં કરવામા આવતાં ચાર કલાક સુધી હાઈ-વે પર ચક્કાજામ જોવા મળ્યો હતો. જેના કારણે સોમનાથથી દર્શન કરીને આવતાં ખાનગી વાહનો અને ટ્રાવેલ્સમાં બેઠેલા હજારો મુસાફરોને ભારે અસુવિધા સાથે હાલાકી ભોગવવી પડી હતી. આ મામલે કંટ્રોલ રૂમમાં પણ ફોન કરવામાં આવતાં તોતીંગ ટોલ વસૂલતાં કોન્ટ્રાકટરોએ ગોળગોળ જવાબો આપ્યા હતાં.
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર સિકસ લેનના કામ ધીમીગતિએ ચાલતાં હોય અને રસ્તાઓ તુટી ગયા હોય તેમજ સર્વિસ રોડ યોગ્ક્ષ રીતે બનાવવામાં ન આવ્યો હોય વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરતાં કલેકટર દ્વારા યોગ્ય વ્યવસ્થા માટે સુચના આપવામાં આવી હતી. આંદોલન બાદ અઠવાડિયા સુધી વ્યવસ્થા સુમેળે ચાલી અને ત્યારબાદ બધુ ભગવાન ભરોસે જોવા મળી રહ્યું છે. કલેકટરના આદેશનો પણ ઉલાળ્યો કરી દેવામાં આવ્યો છે.
ગઈકાલે રાત્રે રીબડા ટોલનાકાથી રાજકોટ તરફ સર્વિસ રોડ ઉપર એક ટ્રક બંધ પડી જતાં ટ્રાફીક જામ થઈ ગયો હતો અને ભારે અવ્યવસ્થા વચ્ચે સોમનાથથી દર્શન કરીને આવતી યાત્રાળુઓ બસ તેમજ તમામ ટ્રાવેલ્સ અને ખાનગી વાહનોમાં આવતાં લોકોેને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચાર કલાક સુધી ટ્રાફીક જામ જોવા મળ્યો હતો અને આ મામલે જ્યારે હાઈ-વે ઓર્થોરિટીના કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવતાં ગોળગોળ જવાબો આપવામાં આવ્યા હતાં. તેમજ ટ્રાફીક વ્યવસ્થા કલીયર કરાવવા ખાનગી બાઉન્સરોને જવાબદારી સોંપાઈ હોય તેવો પણ કયાય દેખાયા ન હતાં. કલેકટરના ખાતરીઓ ઉપર પાણીઢોળ થયો હોય તેવું સ્પષ્ટ થયું હતું.
ખાનગી ટ્રાવેલ્સમાં સોમનાથથી દર્શન કરીને આવતાં દર્શનાર્થીઓમાં 300 થી વધુ મહિલાઓ બાળકો તેમજ ખાનગી વાહનમાં સોમનાથથી પરત આવતાં રાજકોટ, મોરબી, વાંકાનેર, અમદાવાદ અને સુરેન્દ્રનગર તરફના વાહન ચાલકોને કલાકો સુધી ફસાઈ જતાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જે તે વખતે કલેકટર દ્વારા હાઈવે પર વાહન બંધ પડી જાય અને ટ્રાફીક જામ થાય નહીં તે માટે દરેક પોઈન્ટ ઉપર ક્રેઈન તૈનાત રાખવા હાઈવે ઓથોરિટીને હુકમ કર્યો હતો. પરંતુ કલેકટરના આ હુકમનો ઉલાળ્યો કરી દેવામાં આવ્યો હોય. બંધ પડેલા ટ્રકને દૂર કરવા માટે બે કલાક સુધી ક્રેઈન પણ પહોંચી ન હતી અને પેસેન્જરોને રસ્તા ઉપર બેસી રહેવું પડયું હતું.
રાજકોટ-ગોંડલ હાઈ-વેના આ સિકસ લેનના કામ કરતી કંપનીએ કલેકટર દ્વારા ટ્રાફીક વ્યવસ્થા યોગ્ય રાખવા કરેલા હુકમનો અનાદર કર્યો હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું હતું. આ મામલે ટ્રાવેલ્સ સંચાલક વિજયસિંહ જાડેજાએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ માટે નંબર આપવા વારંવાર વાતચીત કર્યા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો અને કલેકટરના હુકમનો ઉલાળ્યો કરીને પોતાની જ મનમાની ચલાવી હતી. આ બાબતે વિજયસિંહ જાડેજાએ એક વિડિયો શેર કરી પરિસ્થિતિ કેટલી ગંભીર હતી તે અંગે અધિકારીઓને જાણ કરી હતી.