12 પ્રકારની મિલકતોના દસ્તાવેેજ મંજૂરી વિના સ્વીકારવાની મનાઇ
તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પનો આદેશ, અશાંતધારાની મિલકતોનો પણ સમાવેશ
અરજદારને નારાજગી હોય તો કલેક્ટર કે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ અપીલ કરી શકશે
રાજ્યમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જમીન-મિલકતના કેટલાક વ્યવહારોના દસ્તાવેજોની નોંધણી સક્ષમ સત્તાધિકારીના હુકમોથી નિયંત્રિત પ્રકારની અને તબદિલી કરવાપાત્ર ના હોય છતાં થઇ રહી હોવાનું સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરીના ધ્યાન પર આવતા સૂચનાઓ જારી કરવાની ફરજ પડી છે. જેમાં 12 પ્રકારના મિલકતને લગતા દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્વારા સક્ષમ સત્તાધિકારીની પરવાનગી સિવાય સ્વીકારવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.
નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવન દ્વારા બહાર પડાયેલા પરિપત્ર મુજબ આ 12 નિર્દિષ્ટ મિલકતોના દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્વારા સ્વીકારાશે નહીં. તેનાથી અરજદાર નારાજ હોય તો તે અંગેની અપીલ સંબંધિત જિલ્લા રજિસ્ટ્રાર કે કલેકટરને કરાયા બાદ નિર્ણય લેવાશે. સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરતા પરિપત્રમાં જણાવાયું છે કે વિવિધ કાયદા અને સક્ષમ ઓથોરિટીના હુકમથી તબદિલી કરવાપાત્ર ન હોય તેવી જમીન અને મિલકતના વિવિધ વ્યવહારોના દસ્તાવેજની નોંધણી થઇ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
આવી નોંધણીના કારણે વ્યક્તિગત અને જાહેર હક-હિતને મોટું નુકસાન થવાની સંભાવના છે. નોંધણીની કામગીરી ગરવી 2.0 પોર્ટલમાં કરાતી હોય છે. જેમાં સિસ્ટમ મુજબ રેવન્યૂ રેકર્ડમાં જે મિલકત અંગે જરૂૂરી પોપ અપ અને ફ્લેગિંગ કરાયું હોય અને એટેચમેન્ટ અંગેની ડેટા એન્ટ્રી સબ રજિસ્ટ્રાર દ્વારા ફરજિયાત કરવાની રહેશે. તે પછી આ 12 જેટલી મિલકતના દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્વારા સક્ષમ સત્તાધિકારીની પરવાનગી સિવાય સ્વીકારવાના રહેશે નહીં.
પરવાનગી વિના કયા દસ્તાવેજ નહીં સ્વીકારી શકાય
-કોર્ટ કે સક્ષમ સત્તાધિકારીના મનાઇ હુકમો
-સક્ષમ ઓથોરિટીના ટાંચના હુકમો
-અશાંત ધારા હેઠળની જમીન મિલકતો
-શહેરી ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ ફાજલ જમીન
-આદિવાસી ખાતેદારની કલમ 73 એએ હેઠળની જમીન કે મિલકત
-સરકારી પડતર, સરકાર, ગૌચર, પંચાયત હેડની જમીન
-નવી શરત, પ્ર.સ.પ., ભૂદાન, સીલિંગ ફાજલ, હિજરતી મિલકત, એનેમી પ્રોપર્ટી
-કોઇ જાહેર ટ્રસ્ટ કે સાર્વજનિક માલિકી ઉપયોગની જમીન-મિલકત
-શહેરી સત્તામંડળ વિસ્તારની નગર રચના યોજના હેઠળ કપાત જમીન
-બિનઅધિકૃત રજા વગરનું બાંધકામ ધરાવતી ખેતીની જમીન
-કોઇ સત્તા પ્રકાર નાબૂદી કાયદા હેઠળ લીટી નીચેના ખાનગી કબજેદાર દ્વારા ધરાવેલ જમીન
-અન્ય કોઇ કાયદા કે હુકમથી પ્રતિબંધિત હોય તેવી જમીન-મિલકત.