રાજકોટ એઈમ્સના નવા પ્રમુખ તરીકે પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલની નિમણૂક
રાજકોટ એઈમ્સના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલની નિમણૂક કરવામાં આવી છે. ઘણા લાંબા સમયથી ખાલી પડેલી રાજકોટ એઈમ્સના પ્રમુખની જગ્યા પર નિમણૂક આપી પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ઓલ ઈન્ડિયા ઓપ્થેલ્મિક લોજીકલ સોસાયટીના ચૂંટાયેલા પ્રમુખ છે. તેમજ ઈન્ડિયા સોસાયટી ઓફ કોર્નિયા એન્ડ કેરાટોરિફ્રેક્ટિવ સર્જન્સના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલની શૈક્ષણિક અને સંશોધન સિદ્ધિઓમાં તેઓ અમેરિકન સોસાયટી ઓફ કેટરેક્ટ એન્ડ રીફ્રેક્ટિવ સર્જન્સ માં લાઇવ સર્જરી કરનાર પ્રથમ ભારતીય છે. તેમજ વાર્ષિક સભા પીઅર રિવ્યુ કરેલ ઇન્ડેક્સ્ડ જર્નલમાં તેમના 500 પ્રકાશનો બહાર પડ્યા છે. પ્રો.ડો. જીવન સિંહ ટિટિયાલ દ્વારા 1000 થી વધુ પ્રવચનો અને વ્યાખ્યાનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ ડો. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સાયન્સ, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીના ચીફ રહી ચુક્યા છે. પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલ 2013-14માં દિલ્હી ઓપ્થેલ્મો લોજિકલ સોસાયટીના પ્રમુખ પણ રહી ચુક્યા છે. જ્યારે 2010થી 2021 સુધી નેશનલ આઈ બેંક, આર પી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સાયન્સ, એઈમ્સમાં પ્રમુખ રહી ચુક્યા છે અને 2003થી 2005 સુધી દિલ્હી ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટીના સચિવ રહી ચુક્યા છે.
પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલને વર્ષ 2014માં પદ્મશ્રી પુરષ્કાર એનાયત કરાયો હતો તેમને મળેલા પુરષ્કાર વિષે વાત કરવામાં આવે તો વર્ષ 2014માં ભારતના રાષ્ટ્રપતિ, નવી દિલ્હી દ્વારા દવા (નેત્રવિજ્ઞાન) ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેમજ સિનિયર એચિવમેન્ટ એવોર્ડ (2016) અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજીનું પણ તેમને સન્માન મળ્યું છે. ઉપરાંત પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલને એચિવમેન્ટ એવોર્ડ (2009)- અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજી સન્માન મળ્યું છે. પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલને એશિયા-પેસિફિક એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજી- વિશિષ્ટ સેવા એવોર્ડ 2021 પ્રાપ્ત થયો છે અને પી. શિવા રેડ્ડી ઇન્ટરનેશનલ એવોર્ડ (2021-22)- ઓલ ઈન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી પુરષ્કાર પણ પ્રાપ્ત થયો છે.
રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા રાજકોટ એઈમ્સના પ્રમુખ તેમજ ડિરેક્ટર સહીત અનેક વહીવટી જગ્યાઓ છેલ્લા લાંબા સમયથી ખાલી પડી હોવાની રજૂઆત કરી હતી. પ્રો. ડો. જીવન સિંહ ટિટિયાલની નિમણૂક બાદ હવે રાજકોટ એઈમ્સના અટકી પડેલા કામો ફરી કાર્યરત થશે.