For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન 3000 કરોડથી વધુના વિકાસકામોની આપશે ભેટ

11:50 AM Feb 20, 2024 IST | Bhumika
વડાપ્રધાન 3000 કરોડથી વધુના વિકાસકામોની આપશે ભેટ
  • 1100 કરોડના ખર્ચે બનેલી એઈમ્સ, 1000 કરોડના ખર્ચે બનેલ રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ટ્રેક, 513 કરોડના ખર્ચે બનેલ ઉર્જા વિભાગના વિકાસકામોનું લોકાર્પણ

આગામી 25મી ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 3000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના હોવાનું જાણવા મળ્યું છે જેમાં રાજકોટ ખાતે 1100 કરોડના ખર્ચે બનેલી એઈમ્સ, 1000 કરોડના ખર્ચે રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ટ્રેક, 513 કરોડના ખર્ચે ઉર્જા વિભાગના વિકાસના કામોનો સમાવેશ થાય છે.

Advertisement

400 કે.વી. સબસ્ટેશન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ પધારી રહ્યા છે અને નાગરિકોને હજ્જારો કરોડના વિકાસકામોની ભેટ આપવાના છે, ત્યારે ઊર્જા વિભાગના રૂૂપિયા 513 કરોડથી વધુનાં વિકાસકામોનું પણ તેમના વરદ હસ્તે લોકાર્પણ થનાર છે.

ખેતી હોય, ઘર હોય કે પછી ઉદ્યોગ, વીજળી સૌ માટે મહત્વની છે અને સૌરાષ્ટ્રમાં વીજ નેટવર્કને મજબૂત બનાવતા વિવિધ સબ સ્ટેશનો સાથેના વિકાસકામો સતત ચાલી રહ્યા છે. જે ઉપક્રમમાં સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર તથા રાજકોટ જિલ્લામાં નિર્માણ પામેલા વિવિધ ક્ષમતાના સબ સ્ટેશનોનું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે.

Advertisement

જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને ઉદ્યોગકારોને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પૂરવઠો મળી રહે તે માટે સાયલા તાલુકામાં શાપર ખાતે રૂૂ. 348.12 કરોડના ખર્ચે 400 કે.વી. સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનાથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તથા ચોટીલા તાલુકાના આશરે 10 હજારથી વધુ લોકોને લાભ થશે. મહત્વનું છે કે, 400 કે.વી.ના શાપર સબ સ્ટેશનને તેની 400 કેવી./200 કે. વી. ટ્રાન્સમિશન લાઈન સાથે ચાલુ કરવાથી એકંદર ટ્રાન્સમિશન લાઈનના નુકસાનમાં ઘટાડો થાય છે. આ સાથે 400 કે.વી. કોરિડોર દ્વારા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે મજબૂત વીજ આંતરજોડાણ ઉપલબ્ધ બનશે.

વીજળી ઉત્પાદન માટે સરકાર હવે પુન: પ્રાપ્ય ઊર્જા પર ભાર આપીને તેને પ્રોત્સાહન આપી રહી છે. આ જ ઉપક્રમમાં ભાવનગર જિલ્લાના સનેસ ખાતે સરકારી પડતર જમીન પર, આશરે રૂૂપિયા 87 કરોડના ખર્ચે, 21 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે થનાર છે. મહત્વનું છે કે, આ પ્રોજેક્ટ સાકાર થવાથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે.

આ સાથે વીજ વિતરણના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનથી થતું નુકસાન અને ખર્ચ પણ ઘટશે. આ પ્રોજેક્ટથી બિનપરંપરાગત ઊર્જા સ્રોતથી વીજળી ઉત્પન્ન થતી હોવાથી પ્રદૂષણ પણ નહીં થાય.અમરેલી તથા ભાવનગર પંથકના વિવિધ આંતરિયાળ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અવિરત વીજ પૂરવઠો પૂરો પાડવાના હેતુસર આશરે રૂૂ.38 કરોડના ખર્ચે 66 કે.વી.ના પાંચ નવા સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના તળાજાના ચોપડા ખાતે 7.92 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, મહુવા તાલુકાના તલગાજરડામાં રૂૂ.6.81 કરોડમાં બનેલા સબ સ્ટેશન તથા મહુવાના ભાણવડામાં બનેલા સબ સ્ટેશન જ્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં 6.94 કરોડના ખર્ચે નિર્મિત દહીંથરા (નવાગામ) સબ સ્ટેશન, સાવરકુંડલા તાલુકામાં 8.91 કરોડના ખર્ચે બનેલા ચરખડીયા (નેસડી) સબ સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, રાજકોટ જિલ્લામાં રૂૂ.40 કરોડના ખર્ચે બનેલા 66 કે.વી.ના પાંચ સબ સ્ટેશનોનું પણ લોકાર્પણ થશે. જેમાં રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકામાં 6.56 કરોડના ખર્ચે બનેલા વિમાસણ સબ સ્ટેશન, વિંછિયા તાલુકાના લાલાવદરમાં 7.66 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, રાજકોટના પરા પિપળીયા (એઈમ્સ)માં રૂૂ.7.38 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન, જસદણ તાલુકાના મોઢુકામાં રૂૂ.9.74 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશન તથા ઉપલેટા તાલુકાના મુરખડામાં રૂૂ. 8.59 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આ સબ સ્ટેશનનો લાભ પોરબંદર પંથકના ગામોને પણ થશે.

68 કરોડના ખર્ચે બનેલા રાજમાર્ગોનું પણ લોકાર્પણ

પ્રધાનમંત્રીશ્રીના હસ્તે આ પ્રકલ્પો પૈકીના એક એવા રાજકોટ જિલ્લાના સુપેડી-જામદાદર રોડ અને ભાવનગર જિલ્લાના તળાજાના મણારથી તરસરા રોડના લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના સુપેડીથી જામદાદર વચ્ચે નિર્માણ થયેલ સુપેડી - ચિત્રાવડ - માત્રાવડ અને જામદાદર રોડ અંદાજે રૂૂ. 41.66 કરોડના ખર્ચે 7 મીટરની ડબલ લેન, ન્યુ સી.ડી. વર્ક અને સાઈડ સોલ્ડર્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગ ખુલ્લો મુકાતા 22 હજાર લોકોને સીધો લાભ થશે.આસપાસના ગામો કે જેઓ સંપૂર્ણ ખેતીવાડી સાથે સંકળાયેલ છે, તેઓને નજીકના માર્કેટિંગ યાર્ડ જેવા કે ધોરાજી, કાલાવડ, જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ વગેરે ખાતે આવાગમન કરવામાં ખૂબ સરળતા રહેશે અને કૃષિ પેદાશોનું વહન ઝડપી અને સમયસર થઈ શકશે. તો આસપાસના ગ્રામ વિસ્તારોના નાગરિકોને તબીબી સારવાર સમયસર મળી શકશે અને અન્ય કામગીરી માટે નજીકના તાલુકા મથકે જવા માટે પણ આ માર્ગથી સરળતા રહેશે લોકોના સમય અને ઇંધણનો બચાવ થશે. જયારે તળાજા-ભાવનગર ખાતેના મણારથી ભારપરા અને ભારપરાથી પાદરી અને પાદરીથી તરસરા એમ કુલ ત્રણ તબક્કામાં બનાવવામાં આવેલો મણાર-તરસરા રોડ અંદાજે રૂૂ. 27.03 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. 5.50 મીટર પહોળાઈ સાથે 33 પાઈપ ડ્રેઈન, 7 સ્લેબ ડ્રેઈન, સી. સી રોડ અને રોડ ફર્નિસિંગ સાથે તૈયાર કરવામાં આવેલ આ માર્ગ ગ્રામીણ વિસ્તારોને શહેરી વિસ્તારો સાથે જોડવા માટે ખૂબ ઉપયોગી બનશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement