રૈયા રોડ ઉપર 53 કરોડની જમીન પરથી દબાણો હટાવાયા
7000 ચો.મી. જમીનમાં ખડકાયેલ ગોડાઉન, બેકરી, ઓરડીઓ, ચા-પાનની દુકાનો ઉપર બૂલડોઝર ફર્યું
શહેરના રૈયા ગામ તળ નજીક તુલસી સુપર માર્કેટની બાજુમાં અંદાજે 53 કરોડ રૂૂપિયાની કિંમતની સરકારી માલિકીની આશરે 7000 ચોરસ મીટર જમીન પર થયેલા દબાણોને જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને પ્રાંત અધિકારી ડો. ચાંદનીબેન પરમારની સૂચનાથી મામલતદાર રાજકોટ શહેર પશ્ચિમ એ.એમ. જોશી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાઈનલ પ્લોટ નંબર 66/01/01ના સર્વે નંબરની આશરે 18 હજાર ચોરસ મીટર જમીનમાંથી 7000 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો થયા હોવાનું પશ્ચિમ મામલતદારના ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ મામલતદારે પોતાની ટીમ દ્વારા સર્વે કરાવ્યો હતો, જેમાં કુલ 10 જેટલા કોમર્શિયલ દબાણો હોવાનું માલુમ પડ્યું હતું.
આ દબાણોને ખાલી કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં, અમુક દબાણકર્તાઓએ જગ્યા ખાલી ન કરતા આજે મામલતદાર એ.એમ. જોશી પોલીસ બંદોબસ્ત અને મામલતદાર કચેરીના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બુલડોઝર ફેરવીને તમામ ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 53 કરોડથી વધુની કિંમતની 7000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
મામલતદાર કચેરીના અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી બે થી ત્રણ ઓરાડીઓ મંડપ સર્વિસના ગોડાઉન, બેકરી, ચા અને પાનની દુકાનો જેવા કોમર્શિયલ બાંધકામો ઊભા થઈ ગયા હતા.આ ડેમોલિશનની કાર્યવાહીમાં મામલતદાર અજીત જોશી, સર્કલ ઓફિસર દિલીપભાઈ પાદરીયા અને ચાર મહિલા તલાટીઓ - સ્નેહલ ગઢવી, માધુરી વાઢેર, ગુંજન ત્રિવેદી અને પૂનમ કોરાટ પણ જોડાયા હતા.