મોરબી રોડ પર 50 કરોડની સરકારી જમીન પરથી દબાણનો સફાયો
ULC ફાજલ જમીન પર કોમર્સિયલ દબાણો ખડકી દેવાયા; હોટલ, સર્વિસ સ્ટેશન, બોક્સ ક્રિકેટ, પાનની કેબિન, ચાની રેંકડી, સીઝન સ્ટોર પર બુલડોઝર ફર્યુ
રાજકોટ શહેરમાં ભુમાફીયાઓ બેફામ બન્યા છે ત્યારે કલેકટર પ્રભવ જોષી દ્વારા સરકારી જમીન પર દબાણ કરનારાઓનો સફાયો બોલાવવા ખાસ સુચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટ પૂર્વ મામલતદાર દ્વારા મોરબી રોડ પર આવેલ યુએલસી ફાજલ સરકારી જમીન પર ખડકી દેવાયેલ કોમર્શિયલ બાંધકામ પર બુલડોઝર ફેરવી દઈ 50 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ શહેર જિલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણો હટાવવાની ખાસ ઝુંબેશ શરૂ કરવા દરેક મામલતદારોને આદેશ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે છેલ્લા એક મહિનાથી મવડી, કોઠારીયા, વાવડી, લોધિકા, કોટડાસાંગાણી સહિતના સ્થળોએ સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણો હટાવી દીધા છે.
બીજી બાજુ રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલ સર્વે નં.53/2 પૈકી 3ની 22561 ચો.મી.યુએલસી ફાજલ થયેલી સરકારી જમીન પર છેલ્લા એક વર્ષથી કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યાનું પૂર્વ મામલતદાર એસ.જે.ચાવડાના ધ્યાન પર આવતાં દબાણ કરનારાઓને એક સપ્તા પહેલા જ નોટિસ ફટકારી સ્વૈચ્છાએ સરકારી જમીન ખાલી કરવા આદેશ આપ્યો હતો. પરંતુ દબાણ કરતાઓએ સ્વૈચ્છાએ સરકારી જમીન પરના દબાણો દૂર નહીં કરતાં આજે સવારે પોલીસ બંદોબસ્ત, પીજીવીસીએલના અધિકારીઓ અને કોર્પોેરેશનના જેસીબીને સાથે રાખી ડીમોલીશન હાથ ધર્યુ હતું અને બપોર સુધીમાં 50 કરોડની જમીન ખુલ્લી કરાવી દીધી હતી.
મોરબી રોડ પર કિંમતી સરકારી જમીન પર હોટલ સર્વિસ સ્ટેશન, છ પીચ વાળુ બોકસ ક્રિકેટ, પાંચ પાનની દુકાન, ચાર ચાની હોટલ, બે સીઝન સ્ટોર, એક પંચરની દુકાન વાળાએ દબાણ કર્યુ હતું જેનો સફાયો કરી દેવામાં આવ્યો છે. આ કામગીરીમાં પૂર્ણ મામલતદારની સાથે સર્કલ ઓફિસર સત્યમ સેરસીયા, તલાટી મંત્રી ધારાબેન વ્યાસ, નાયબ મામલતદાર સરફરાઝ મલેક સહિતનો સ્ટાફ મદદમાં રહ્યો હતો.
ન્યારામાં સરકારી જમીન પરના દબાણો હટાવાયા
પડધરી તાલુકાના ન્યારા ગામે આવેલ કરોડોની કિંમતની ચાર એકર સરકારી જમીનમાં પાંચ વંડા ખડકી દેવામાં આવ્યા હોય પડધરી મામલતદાર સહિતના સ્ટાફે ગઈકાલે બપોરબાદ ડીમોલેશન હાથ ધરી સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરી 12 કરોડની કિંમતની 2000 ચો.મી.જમીન ખુલ્લી કરાવી હતી.