For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંકલન સમિતિની બેઠકમાં એઇમ્સ, સ્માર્ટ મીટર, એરપોર્ટ મામલે રજૂઆત

05:27 PM Dec 21, 2024 IST | Bhumika
સંકલન સમિતિની બેઠકમાં એઇમ્સ  સ્માર્ટ મીટર  એરપોર્ટ મામલે રજૂઆત

રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં પદાધિકારીઓએ રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરે અધિકારીઓને તાકીદ કરી હતી. કલેકટરે હાલમાં ચાલી રહેલા સરકારના ખેલ મહાકુંભ, ટીબી નિર્મૂલન, જળ સંચય અભિયાન, રેશનકાર્ડનું ઈ- કેવાયસી વગેરે કામગીરીની સમીક્ષા કરી હતી. અને ગ્રામ્ય - તાલુકા કક્ષાએ સોશિયલ મીડિયા હેંન્ડલર્સને સક્રિય કરવા સૂચના આપી હતી.

Advertisement

નિવાસી અધિક કલેકટર કે. એ.ગૌતમે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું. કલેકટરે અધિકારીને સાથે ચર્ચાઓ કરીને પ્રશ્નોનું નિરાકરણ થાય તે અંગે સૂચનાઓ આપી હતી.

સાંસદ રામભાઈ મોકરિયાએ નવા એરપોર્ટ હિરાસર ખાતે ઇમિગ્રેશન અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ સહિતની સુવિધાઓ, જનાના હોસ્પિટલમાં પાર્કિંગ અને જાહેર શૌચાલય, નેશનલ હાઇવે પરના બ્રિજ અંગેની કામગીરી, શહેરના મુખ્ય વિસ્તારો અને ખાનગી પ્લોટમાં સ્વચ્છતા જાળવવા બાબતે યોગ્ય નિરાકરણ આવે તે માટે રજૂઆત કરી હતી.
ધારાસભ્ય દર્શિતાબેન શાહે રાજકોટ ખાતેના અટલ સરોવર અને ઇશ્વરીયા પાર્ક ખાતે બોટિંગ પ્રક્રિયા, એઇમ્સ ખાતે બસ સ્ટોપની સુવિધા, જર્જરિત ગવર્નમેન્ટ ક્વાર્ટર્સ, નવી પદ્મ કુંવરબા હોસ્પિટલમાં પાર્કિંગ વ્યવસ્થાઓ, વન કવચ મોડલ બનાવવા , જ્યુબીલી બાગથી રાષ્ટ્રીય શાળા સુધીના વિસ્તારમાં હેરિટેજ સર્કિટ બનાવવા, જ્યુબીલી ગાર્ડનને વિકસાવવા અને બાગમાં રહેલા બેન્ડ સ્ટેન્ડને રીનોવેટ કરવા, રેસકોર્ષ ખાતે યોજાતા લોકમેળાનું સ્થળ બદલાવવા સહિતની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સ્માર્ટ મીટર વીજ બિલ માટે પેમેન્ટની કામગીરી અંગેના પ્રશ્નો, માલવિયા ચોકથી ત્રિકોણબાગ સુધીના રસ્તાઓ પહોળા કરવા, ઢેબર રોડથી અટીકા સુધીના રસ્તાઓ પરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા, રાજકોટના કમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીની કામગીરી ઝડપથી પૂર્ણ કરી ખુલ્લા મૂકવા વગેરે અંગે રજૂઆત કરી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વધુને વધુ લોકોને જાણકારી મળે તે માટે કલેકટરે સોશિયલ મીડિયાના માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા, ખેલમહાકુંભ, પી.એમ.શ્રી. યોજના અન્વયેની કામગીરી, ઈ- કેવાયસી, ટી.બી.ઝુંબેશની કામગીરી, વોટર હારવેસ્ટિંગ, બોરવેલ રિચાર્જ વગેરે અંગેની માહિતી બાબતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, ડીઆરડીએ નિયામક એ .કે. વસ્તાણી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, પ્રાંત અધિકારીઓ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement