આગ દુર્ઘટના બાદ ભાભા કોમ્પ્લેક્સ સીલ કરવામાં તંત્રના પારોઠના પગલાં
ફાયર સેફ્ટીના સાધનો અને NOC ન હોવાથી સીલિંગ કાર્યવાહી માટે ગયેલી કોર્પોરેશનની જાન લીલા તોરણે પરત
વેપારીઓની રજૂઆત સાંભળ્યા બાદ ફાયર NOC માટે સાત દિવસની મુદ્ત અપાઇ
શહેરની ગેમ ઝોન દુર્ઘટના બાદ ફરી વખત આજે બંગડી બજારના ભાભા કોમ્પ્લેક્સમાં છઠ્ઠા માળે ભીષણ આગ લાગતા ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી હતી અને રવિવાર હોવાથી દૂકાનો બંધ હોય જાનહાની ટળી હતી. પરંતુ તપાસ દરમિયાન આ ઇમારતમાં ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનઓસી ન હોવાનું ખૂલતા આજે ફાયર વિભાગે કોમ્પ્લેક્સ સીલ કરવા માટે કાર્યવાહી કરી હતી. જેનો વેપારીઓએ વિરોધ કરી ફાયર એનઓસી માટે સાત દિવસની મુદ્ત માંગતા કોર્પોરેશનનો ફાયર વિભાગનો કાફ્લો સિલિંગ કાર્યવાહી કરાયા વિના પરત ફર્યો હતો.
રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના હજુ તાજી છે,ત્યારે શહેરની બંગડી બજારના ભાભા કોમ્પ્લેક્સના છેલ્લા માળે ગેરકાયદે પતરાના સ્ટ્રક્ચરમાં બનેલા ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.જેને લીધે સ્થાનિક વેપારી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા એક કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી.આગને પગલે બંગડી બજારના વેપારી હિરેનભાઇએ જણાવ્યું હતું કે,હું સવારે મારી દુકાને આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે, બજારમાં ઉપરના ભાગેથી આગ લાગી છે.જેથી મે તુરંત જ સવારે 10 વાગ્યે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.જે બાદ તુરંત જ પહોંચી ગયો હતો અને છેલ્લા એક કલાકથી આગ બુજાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
ભાભા બજારમાં મૂળ માલિક દુષ્યંત મહેતાનું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે તેમ જણાવતા ભાડુઆત ભૂપતાણીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ આર્ટિકલનું ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનું 4,000 ભાડું ચૂકવતો હતો.ગોડાઉનમાં ગિફ્ટ આર્ટીકલનો માલ સામાન પડેલો હતો.જોકે સવાલ એ છે કે મહાનગર પાલિકાને આ પ્રકારનું ગેરકાયદે પતરાનું સ્ટ્રક્ચર શા માટે ન દેખાયું.રાજકોટની બંગડી બજાર અને આસપાસના વિસ્તારમાં સાંકડી શેરીઓ છે અને તેને કારણે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ પણ અહીં એન્ટર થાય તો ફસાઈ જાય છે.આ પ્રકારની પરિસ્થિતિમાં તમામ ગેરકાયદેસર સ્ટ્રકચરો હટાવવા જોઈએ.તેથી આ પ્રકારની આગની દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની ન થાય.
ફાયર બ્રિગેડમાં નોંધ મુજબ,રાજકોટના ઘી કાટા રોડ પર આવેલી ભાભા બજારમાં કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ પાંચ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ખૂબ સાંકળી જગ્યા હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને બે કલાક સુધી જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવ્યો ત્યારે આગ કાબૂમાં આવી હતી.આગથી અન્ય કોઈ જાનહાની થઈ નથી.ફાયર સિસ્ટમ દ્વારા દુકાન અને ગોડાઉનના લોકોએ આગ બુજાવવા માટેની કામગીરી કરી હતી. બાકીની અન્ય દુકાન અને ગોડાઉન ફાયર બ્રિગેડએ બચાવી લીધા છે.આ કોમ્પલેક્ષનું ફાયર એનઓસી નથી.ઘટના સમયે સ્થળ પર પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ હાજર હતો.
ચેકિંગ ઝુંબેશમાં ભાભા કોમ્પ્લેક્સ કેમ ન દેખાયું ?
બંગડી બજારના ભાભા કોમ્પ્લેક્સમાં ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તપાસમાં માલૂમ પડેલ કે આ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી હતી જ નહીં આથી ટીઆરીપ ગેમ ઝોન દુર્ઘટના બાદ શહેરની તમામ ઇમારતોમાં ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો ભાભા કોમ્પ્લેક્સમાં શા માટે તપાસ નથી કરાઇ અથવા આ કોમ્પ્લેક્સ ફાયર સેફ્ટીની કેટેગરીમાં આવે છે કે કેમ તે અંગેની જાણકારી હાલ ફાયર વિભાગ પાસે ન હોવાનું જણાવા મળેલ છે.