વિવાદિત KKV બ્રિજ ગેમઝોન સંસ્થાને પધરાવવા તૈયારી
મહાનગરપાલિકા દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે મવડી ખાતે ઈન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યં છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થયા બાદ સંચાલન મુદ્દે કોકડુ ગુંચવાયુ હતું. સંસ્થાઓ દ્વારા વ્યવસ્થિત સંચાલન નહીં થાય તેવી ફરિયાદોના પગલે મનપાએ હવે ખુદ સંચાલન કરવાનો નિર્ણય લઈ તા. 5 થી રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરી છ ે. જેની સામે કેકેવી બ્રીજ નીચે તૈયાર કરવામાં આવેલ વિવાદીત ગેમઝોન કે જેનું લોકાર્પણ આજ સુધી થયું નથી અને આ ગેમઝોનનો ભારે વિરોધ થયો છે. તેનું સંચાલન એજન્સીને સોંપવાનો નિર્ણય લઈ વિવાદથી બચવાનો પ્રયત્ન કર્યો હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા ગેમઝોન દુર્ઘટના માંથી સબક શિખ્યા બાદ પણ કેકેવી ઓવરબ્રીજ નીચે ફરી વખત ગેમઝોન તૈયાર કરાવવામાં આવ્યું છે. બન્ને બાજુ સર્વિસ રોડ હોવાના કારણે તેમજ બ્રીજ નીચે ઓછી જગ્યામાં ઝોન તૈયાર થયેલ હોય કાયમી અકસ્માતનો ભય ઝડુમતો હોવાના મુદ્દે શહેરીજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે કોંગ્રેસે પણ ગેમઝોન સ્થળે ધરણા યોજી આ ઝોન બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠાવેલ છતાં ભવિષ્યમાં કોઈ જાતની દુર્ઘટના સર્જાય તો દોષનો ટોપલો તંત્ર ઉપર ન આવે તે માટે ગેમઝોનનું સંચાલન ખાનગી સંસ્થાઓ ને પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.12માં મવડી પાળ રોડ, રામઘણ આશ્રમની પાસે, મવડી ખાતે રૂૂ.23.16 કરોડના ખર્ચે 11831.00 ચો.મી. ક્ષેત્રફળના પ્લોટમાં નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામા આવેલ છે. આ નવા ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રથમ તબક્કામાં કુલ-4 સ્પોર્ટ્સ ફેસીલીટી આગામી તારીખ:16-05-2025થી શહેરીજનો માટે શરૂૂ કરવામાં આવે છે જેના માટે ઓનલાઇન મેમ્બરશીપ તારીખ:05-05-2025ના રોજથી www.rmc.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકશે. સ્પોર્ટસ સંકુલમાં લોન ટેનિસ, બાસ્કેટ બોલ, વોલીબોલ, બેડમિન્ટન, કબડ્ડી, યોગ, જીમ, શૂટિંગ 10 મી. રેન્જ, આર્ચરી અને સ્કવોશ માટે કોર્ટ અને હોલ તૈયાર કરાવમાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
બ્રીજ નીચે ગેમઝોનના માચડાનું ઉદ્ઘાટન કરવા કોઈ તૈયાર નથી
મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રોજેક્ટ તૈયાર થાય ત્યારે તેના લોકાર્પણ માટે લાંબા સમય સુધી નેતાઓ તારીખ ફાળવે તેની રાહ જોવાતી હોય છે. અને ક્યારેક પ્રોજેક્ટ અધુરા હોય છતાં તેનું લોકાર્પણ કરી નાખવામાં આવતુ હોય છે. પરંતુ કાલાવડ રોડ ઉપર કેકેવી ચોક હાઈલેવલ બ્રીજ નીચે તૈયાર કરવામાં આવેલ વિવાદીત ગેમઝોન ઘણા સમય પહેલા તૈયાર થઈ ગયો છે. તેનું લોકાર્પણ અગાઉ મુખ્યમંત્રીના હસ્તે કરવાનો નિર્ણય લેવામાં આવેલ પરંતુ આ નિર્ણયમાં કાચુ કપાઈ ગયાનું લાગતા તાત્કાલીક લોકાર્પણ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. અને હવે મવડી સ્પોર્ટસ સંકુલનું સંચાન ખુદ મહાનગરપાલિકા કરવાનું છે. ત્યારે હજુ લોકાર્પણ થયું નથી. આ અંગે તપાસ કરતા માલુમ પડેલ કે, વિવાદીત ગેમઝોનના લોકાર્પણ માટે અનેક નેતાઓને વિનંતી કરવામાં આવી હતી. પરંતુ આજસુધી કોઈ નેતા આ ગેમઝોનનું ઉદ્ઘાટન કરવા તૈયાર થતા નથી.