વઢવાણના ઉપાસના સર્કલ પાસે એક્ટિવાને ઉલાળતા સગર્ભાનું મોત
વઢવાણના નકલંગપરા, પશુદવાખાના પાસે રહેતા ગોપાલભાઈ હસમુખભાઈ ઘુઘલીયાની પત્નીનું અકસ્માતે મોત થતા બી-ડિવિઝન પોલીસ મથકે તા. 1-6-2025ના દિવસે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તા. 29-5-2025ના રોજ બપોરના સમયે દૂધની ડેરની બાજુમાં નકલંગપરામાંથી કરીયાણુ લઇ ગોપાલભાઈ, તેમના પત્ની મીનાબેન, 7 વર્ષની દીકરી ભાવિકા અને 2 વર્ષની દીકરી ખુશીને સાથે તેમના મિત્રનું એક્ટિવા લઇને વિમલનાથ સોસાયટીમાં જવા નીકળ્યા હતા.
ત્યારે બપોરના એકાદ વાગ્યાની આસપાસ ઉપાસના સર્કલ ક્રોમા શો રૂૂમ સામે પહોંચતા અચાનક પાછળથી એક ટ્રકના ચાલકે ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પાછળથી ગોપાલભાઈના એક્ટિવાને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં નાની ખુશી, ભાવિકાને તેમજ ગોપાલભાઈને ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે ગોપાલભાઈના ગર્ભવતી પત્ની મીનાબેનને ડાબા પગે, જમણા હાથની કોણીના ભાગે, મોઢા, પેટના ભાગે ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ બનાવમાં ટ્રકચાલક સામે ગુનો નોંધાયો છે.