તબીબની સલાહ બાદ ગર્ભપાત કરાવતા સગર્ભાનું મોત: બેદરકારીનો પરિવારનો આરોપ
લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતી પરિણીતાને પાંચમા માસે લીમડીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયા હતા ત્યારે ખાનગી હોસ્પિટલના તબીબે બાળક નીચે આવી ગયું હોવાનું કહી ગર્ભપાત કર્યો હતો. ગર્ભપાત કરાવ્યા બાદ સગર્ભાનું બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારે તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે સગર્ભાના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. પરિણીતાના મોતથી નવ માસની માસુમ બાળકીએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતી પુરીબેન ભરતભાઈ કાલીયા નામની 30 વર્ષની પરિણીતાને પાંચ માસનો ગર્ભ હતો અને તેણીને બાળક નીચે હોવાના કારણે લીંબડીમાં આવેલી ડોક્ટર દીપેન પટેલની નિષ્ઠા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો. ગર્ભપાત કરાવ્યા બાદ પુરીબેન કાલીયાનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. પરિણીતાના મોતથી નવ માસની માસુમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પરિવારે તબીબી બેદરકારીનો આક્ષેપક કરતા પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં પુરીબેન કાલીયાના પતિ ભરતભાઈ કાલીયાએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે પૂરીબેન કાલીયાને સંતાનમાં નવ માસની બાળકી છે. અને તેણીને હાલ પાંચ માસનો ગર્ભ હતો અને લીંબડીમાં આવેલ ડોક્ટર દીપેન પટેલની નિષ્ઠા હોસ્પિટલમાં સારવાર કરાવતા હતા અને ગઈકાલે રિપોર્ટ બતાવવા અને તપાસ કરાવવા નિષ્ઠા હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે રિપોર્ટ જોઈને નિષ્ઠા હોસ્પિટલના તબીબે બાળક નીચું હોવાનું જણાવી ગર્ભપાત કરાવવાની સલાહ આપી હતી તબીબી સલાહ બાદ ગર્ભપાત કરાવતા તબીબી બેદરકારીના કારણે પુરીબેન કાલીયાનું મોત નીપજ્યું હોવાનો ભરતભાઈ કાલીયાએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે લીંબડી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.