પ્રી-સ્કૂલના પ વર્ષના નોટ રાઇઝડ ભાડા કરાર, રજિસ્ટ્રેશન ફી, નોંધણીની સમય મર્યાદા વધારાઇ
પ્રી-પ્રાઇમરી શાળા સંચાલકો પાછલા કેટલાક સમયથી રાજ્યભરમાં વિરોધ નોંધાવી આંદોલન કરી રહ્યા હતા. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રી-પ્રાઇમરી શાળા ચલાવતા સંચાલકો માટે કેટલાક નવા નીતિ નિયમો જાહેર કર્યા હતા.જેમાં ફરજિયાત 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર,એજ્યુકેશન બીયુ પરમિશન,દર વર્ષે વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી,ટ્રસ્ટ કે સંસ્થાનું રજીસ્ટેશન કરાવવું સહિતના નિયમો લાવવામાં આવ્યા હતા.
આ નિયમો સામે શાળા સંચાલકોમાં નારાજગી હતી અને વિરોધ નોંધાવી રહ્યા હતા. જોકે હવે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં મહત્વની ત્રણ માગણીનો મૌખિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ કરાશે. 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે 5 વર્ષનો નોટરાઇઝડ ભાડા કરારની માગનો સ્વીકાર્યો છે.
જૂના ઠરાવમાં વર્ગદીઠ 5 હજાર ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં બદલાવ કરીને વર્ગદીઠ નહીં, પરંતુ આખી શાળા માટે રૂૂપિયા 10,000ની ફી રજિસ્ટ્રેશન ફી પેટે નક્કી કરવામાં આવી છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલના રજિસ્ટ્રેશન માટે ફેબ્રુઆરી મહિનામાં મુદત પૂરી થતી હતી ,જેની સ્થાને 6 મહિના સુધી રજિસ્ટ્રેશન માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. આ ત્રણ માગોનો શિક્ષણ વિભાગ દ્વારા મૌખિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.જેથી પાછલા લાંબા સમયથી અલગ અલગ રીતે વિરોધ આવી રહેલ પ્રી-પ્રાઇમરી સ્કૂલના સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.
BUનો પ્રશ્ર્ન હલ નહીં થતા લડત ચાલુ રહેશે : સંચાલક
સરકાર સાથેની બેઠક મહદઅંશે સફળ રહી છે પરંતુ સરકાર દ્વારા BUની સમસ્યાના નિરાકરણની કોઇ ખાતરી આપવામા આવી નથી. મોટાભાગના સંચાલકોને BUનો પ્રશ્ર્ન નડી રહયો છે જેથી BUના પ્રશ્ર્ન અંગે નિરાકરણ નહી આવે ત્યા સુધી લડત ચાલુ રાખવા સંચાલકોએ જણાવ્યુ છે.