2005 અગાઉના કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ
બે વર્ષ બાદ બીજી વખત સરકારનો નિર્ણય, 60 હજાર કર્મચારીઓ માટે ઝડપથી પરિપત્ર બહાર પાડવાની જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય ની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી તો બીજી તરફ વરસાદથી થયેલી નુકસાન અંગે સર્વે કામગીરી ની માહિતી મેળવવામાં આવી હતી.
આ ઉપરાંત , પ્રધાનમંત્રી મોદીને સત્તા સંભાળ્યાના 23 વર્ષ થતા ઉજવણી અંગે ચર્ચા તેમજ વર્ષ 2005 અગાઉ જે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ નથી મળી રહ્યો તો તેવા કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેમજ સરકારી કર્મચારીઓની અન્ય માંગણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવ્યો હતો. ચર્ચાને અંતે રાજ્ય સરકારે વર્ષ 2005 અગાઉના 60 હજાર કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ સમાવેશ કરવા માટે નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી જગદીશ પંચાલ, રાજ્ય કક્ષા મંત્રી બચુ ખાબડ હાજર રહ્યા હતા.
આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 14 મા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 7 ઓકટોબર, 2001 ના રોજ સત્તા સંભાળી હતી. આ સત્તા સંભાળ્યા બાદ વી રાજનીતિ નો ઉદય ગુજરાત થી થયો છે. ગુજરાતમાં નવતર અભિગમ સાથે માર્ગ 2014 સુધી માર્ગદર્શન મળ્યું અને હજુ પણ મળી રહ્યું છે ત્યારે વર્ષ 2014-2024 સુધી ગુજરાત ને નવા વિકાસ પથ પર મૂકી શક્યા છીએ.
ગુજરાતે જે કામ કર્યા તે કામ હવે દેશભરમાં થઈ રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટ સહિતના તમામ મોડેલ દેશભરમાં પ્રચલિત પણ થયા છે. 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી વિકસિત સપ્તાહનો એક કાર્યક્રમ યોજાશે. આ તમામ દિવસોમાં નવી નવી યોજના પર સમગ્ર ગુજરાત ને આંદોલિત કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રત્યેક ગામ સુધી તેમજ તમામ લોકો સુધી પહોંચી અને દસ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ વિકાસ સપ્તાહ દરમિયાન 13 કાર્યક્રમ યોજવામાં આવશે. દર વર્ષે યોજાનારા વિકસિત સપ્તાહ કાર્યક્રમમાં મોદી ની વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક માધ્યમ દ્વારા વિકાસ ઉજવણી કરતા ગીત રજૂ કરવામાં આવશે, મોદી ની કામગીરી ની સફળ ગાથા, સોશિયલ મીડિયા ઝુંબેશ, સફળતા અને સિદ્ધિની ગાથા, શાળા કોલેજમાં વિકાસની થીમ પર કાર્યક્રમ, વિકાસ રથ, ગુજરાતના મહત્વના 23 સ્થળોને હાઈલાઈટ કરવા, ભીંત ચિત્રો બનાવવા વગેરે જેવા કાર્યક્રમની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવશે. ચાલુ વર્ષે એટલે કે આવતી કાલથી જે કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ તેમાં 23 નક્કી કરેલા સ્થળો પર પદયાત્રા, વકતૃત્વ સ્પર્ધા સહિતના અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવશે.
વિકસિત ભારત પ્રતિજ્ઞા આવતી કાલથી લેવામાં આવશે જેમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી - અધિકારીઓ કેબિનેટ હોલમાં બપોરે 12.39 વાગ્યે એકત્ર થશે. અટલ બિહારી વાજપેયીની યાદમાં ચાલી રહેલું સુશાસન સપ્તાહ ચા લુ જ રહેશે.
વધુમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારી મંડળના વિવિધ આગેવાનો સાથે અલગ અલગ માંગણી સંદર્ભમાં 3 થી 4 વખત રજૂઆત સાંભળી હતી. આ રજૂઆતને અંતે 60254 કર્મચારીઓને સીધો ફાયદો થાય એ માટે નિર્ણય લીધો છે. 1-4-2005 પહેલા જે લોકો ફિક્સ પગારની નોકરી માં લાગ્યા હતા એમની નિમણૂંક અને હુકમની શરતો અનુસાર લાભ મળ્યા નહોતા. જો કે સરકારે આ અંગે સહાનુભૂતિ દાખવી નિર્ણય લીધો છે કે આવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે અને કેબિનેટે તેને વધાવ્યો છે.
સરકાર પર બોજ ભલે આવે પણ નિર્ણય મહત્વનો સાબિત થશે. આ ઉપરાંત સાતમા પગાર પંચની કેટલીક માંગણી પૈકી ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ તથા વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમા પગાર પંચ પ્રમાણે અમલમાં આવશે.
અવસાન ગ્રેજ્યુઈટીની રકમમાં વધારો કરવામાં આવશે. રાજ્યની તિજોરી પર આશરે 200 કરોડનું ભારણ આવશે. જે અન્ય વિષયો બાકી રહ્યા છે તે વધારે અભ્યાસ બાદ નિર્ણય લેવામાં આવશે. આ અંગે તાત્કાલિક કમિટી બેસી ઝડપી નિર્ણય લેવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અગાઉ જાહેરાત કરી એ સમયે બધી બાબતો વિચારાધીન હતી અને હવે નક્કી થઈ ગયું છે.