ગોંડલના વાસાવડના પોસ્ટમેનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
જસદણના સાણથલી ગામની ઘટના; આધેડના મોતથી પરિવારમાં શોક
જસદણના સાણથલી ગામે રહેતા અને ગોંડલના વાસાવડમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતા મુકેશકુમાર શિવશંકરભાઈ રાજ્યગુરુ નામના 57 વર્ષના આધેડ સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આધેડની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મુકેશકુમાર રાજ્યગુરુનું હૃદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મુકેશકુમાર રાજ્યગુરુ ચાર ભાઈમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે મહેશકુમાર રાજ્યગુરુ ગોંડલના વાસાવડ ગામે પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા હતા અને તેમનું હદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.