ગરીબોને પડ્યા પર પાટુ : એક સપ્તાહ સુધી સર્વર બંધ
રાજકોટ સહિત ગુજરાતભરમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, મીઠુ સહિતની ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગરીબોની મજાક થતો હોય તેમ સર્વમાં ધાંધિયા હોવાના કારણે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રાશન મેળવવામાં ધક્કા ખાવા પડે છે. જેમાં અધુરામાં પુરુ ઓનલાઈન સિસ્ટમ મેન્ટેન કરવા છ દિવસ સુધી સર્વર બંધ રહેશે તેવી સરકારે જાહેરાત કરતા ગરીબોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
રાજકોટ શહેર જિલ્લાના બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને છેલ્લા એક મહિનાથી સર્વર ધીમું ચાલતું હોવાના કારણે રેશનીંગની દુકાનેથી ઘઉં, ચોખા, કઠોળ, તુવેરદાળ, ખાંડ જેવી ચીજવસ્તુઓ લેવામાં લાંબી લાઈનો લગાવી પડે છે. સર્વર ધીમું ચાલતું હોવાના કારણે ગરીબોને પોતાની મજુરી મુકીને રેશનીંગની લાઈનમાં ઉભુ રહેવું પડે છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ સહિત રાજ્યભરમાં પુરવઠાનું સર્વર ધીમું ચાલતું હોવાની ફરિયાદો મળતા રેશન કાર્ડને લગતા ડેટાબેઝ અને સર્વર મેન્ટેન કરવા માટે રાજ્ય સરકારે તા. 2 થી 6 જૂલાઈ સુધી રેશન કાર્ડને લગતી ઓનલાઈન તમામ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ યાદીમાં જણાવ્યું છે.
વધુમાં જણાવ્યા પ્રમાણે રશન કાર્ડ ધારકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુથી સર્વ પર ડેટાબેઝ અપડેટ કરવા અંગે નાયબ નિયામક અન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર તરફથી સુચના આપવામાં આવી છે. હાલમાં રેશન કાર્ડને લગતો જૂનો ડેટાબેઝ સર્વમાં રહેલો હોય જેનો સમયગાળો ખુબ વધી ગયો હોય માઈક્રોસોફ્ટ દ્વારા તેના પર સપોર્ટ બંધ કરાયો છે. જેના લીધે સર્વર ધીમું ચાલતું હતું. જિલ્લા તાલુકા કક્ષાએ હાલાકીઓ ઉભી થતાં સર્વર મેન્ટન કરવા માટે એક સપ્તાહ સુધી રેશન કાર્ડને લગતી તમામ ઓનલાઈન સેવાઓ બંધ રહેશ ેતેમ જણાવ્યું છે.