વિદેશી દારૂના કટિંગ સમયે પોલીસ ત્રાટકી : 252 બોટલ સાથે બે ઝડપાયા
શહેરમાં દારૂની હેરાફેરી કરતાં શખ્સો ઉપર પોલીસે લાલ આંખ કરી હોય તેમ અવારનવાર દારૂના જથ્થા સાથે અનેક શખ્સોને ઝડપી લીધા છે ત્યારે વધુ એક બનાવમાં પુષ્કરધામ મેઈન રોડ પર કેવલમ સોસાયટી સામે આવાસ યોજનાના કવાર્ટરમાં વિદેશી દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી હતી અને પોલીસે 252 બોટલ દારૂ અને કાર મળી રૂા.1.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પુષ્કરધામ મેઈન રોડ પર કેવલમ સોસાયટી સામે આવાસ યોજનાના કવાર્ટરમાં આવેલ આંગણવાડી પાછળ વિદેશી દારૂનું કટીંગ ચાલતું હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન આરોપી પ્રદીપ દિલુભાઈ ખાચર અને પ્રિયેશ ઉર્ફે આશીષ ઉર્ફે બેટરી અરવિંદભાઈ સોલંકી પોલીસને જોઈ નાસી છુટયા હતાં. પરંતુ પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી બન્ને શખ્સને ઝડપી લઈ કાર પાસે લાવ્યા હતાં અને પોલીસે કારમાં તલાસી કરતાં રૂા.1,09,200ની કિંમતની વિદેશી દારૂની 252 બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને કાર મળી રૂા.1,49,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા બન્ને આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વિદેશી દારૂ કયાંથી લાવ્યા અને કયાં ડિલેવરી કરવાના હતાં સહિતની પુછપરછ હાથ ધરી છે.