રાજકોટમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા પોલીસનું સર્ચ ઓપરેશન
SOGક્રાઇમ બ્રાંચ, PCB, EOW, પેરોલ ફર્લો અને એલસીબીની 30થી વધુ ટીમો કામે લાગી
ભગવતીપરા, જંગલેશ્ર્વર, રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડોકયુમેન્ટની ચકાસણી
કાશ્મીરમા થયેલા આંતકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કડક વલણ દાખવવામા આવી રહયુ છે. દેશમા રહેતા પાકિસ્તાની નાગરીકોનાં વીઝા રદ કરી દેવામા આવ્યા છે . તો બીજી તરફ સરકારે ગેરકાયદેસર રીતે ભારતમા ઘુસી ગયેલા બાંગ્લાદેશીઓ સામે સર્જીકલ સ્ટ્રાઇક શરુ કરી છે જેને પગલે રાજકોટ પોલીસ દ્વારા પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુષણખોરોને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. રાજકોટ શહેરમા ભગવતીપરા, જંગલેશ્ર્વર, રામનાથપરા, સોની બજાર સહીતનાં વિસ્તારોમા આશરો મેળવનાર બાંગ્લાદેશીઓનાં ડોકયુમેન્ટની ચકાસણી શરુ કરવામા આવી છે અને આ સર્ચ ઓપરેશનમા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી મળી આવે તો તેની અટકાયત કરવાની કવાયત શરૂ કરી છે.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કાશ્મીરની ઘટના બાદ ગુજરાતમા તકેદારીનાં ભાગરુપે પોલીસને એલર્ટ રહેવા સુચના આપી એકશન લેવા તાકીદ કરતા રાજય પોલીસવડા વિકાસ સહાયએ તાબડતોબ વીડીયો કોન્ફરન્સ યોજી હતી જેમા રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાના પોલીસ કમિશનર તેમજ રેન્જના આઇજી તથા દરેક જીલ્લાનાં એસપીને ગુજરાતમા ગેરકાયદેસર રીતે ઘુસી ગયેલા બાંગ્લાદેશીઓને શોધી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો જેને પગલે પોલીસે બાંગ્લાદેશી નાગરીકો વિરુધ્ધ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. અમદાવાદ, વડોદરા અને સુરતમાથી 1000 થી વધુ બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેના ડોકયુમેન્ટની ચકાસણી કરી હતી.
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સાથે અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ઝોન 1 સજજનસિંહ પરમાર અને ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમા પણ આવા બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે . SOGક્રાઇમ બ્રાંચ, PCB, EOW, પેરોલ ફર્લો અને એલસીબી ઉપરાંત પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો મળી આશરે 30 થી વધુ ટીમો કામે લાગી હતી. આ સર્ચ ઓપરેશનમા પોલીસે ભગવતીપરા, જંગલેશ્ર્વર, રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડોકયુમેન્ટની ચકાસણી શરુ કરી છે.
રાજકોટ શહેરમા વસ્તા પાકિસ્તાની નાગરીકો અને બાંગ્લાદેશી નાગરીકોનાં દસ્તાવેજોની ચકાસણીમા જો કોઇ શંકાસ્પદ બાબત જાણવા મળશે કે પછી આવા નાગરીકોએ ગેરકાયદેસર દસ્તાવેજ બનાવીને વસવાટ કરતા હોવાનુ માલુમ પડશે તો આ મામલે તેમની અટકાયત કરવામા આવશે અને હોમ મીનીસ્ટ્રીમા આ અંગેની પ્રપોઝલ મુકવામા આવશે અને સરકાર દ્વારા આવા ઘુષણખોરોને ડીપોર્ટ કરવાની સુચના આવ્યા બાદ તેમને પરત પાકિસ્તાન કે બાંગ્લાદેશ મોકલી દેવામા આવશે.
સુત્રોનાં જણાવ્યા અનુસાર રાજકોટમા માત્ર 7 જેટલા બાંગ્લાદેશીઓની નોંધણી થઇ છે જયારે રાજકોટમા 11 જેટલી બાંગ્લાદેશી મહીલાઓ લોંગ ટર્મ રીઝર્વ પર રહેતી હોવાનુ જાણવા મળ્યુ છે. રાજકોટ પોલીસના આ સર્ચ ઓપરેશન બાદ સરકારનાં નિર્ણય ઉપર પોલીસે તપાસ કેન્દ્રીત કરી આગામી કાર્યવાહી માટે હુકમની રાહ જોવાઇ રહી છે.