સૌરાષ્ટ્રમાં 20 સ્થળોએ શ્રાવણિયા જુગાર ઉપર પોલીસ ત્રાટકી, મહિલા સહિત 100ની ધરપકડ
જિલ્લાના ગોંડલ, જેતપુર, સુલતાનપુર, ધોરાજી, ભાયાવદર, જામકંડોરણા પંથકમાં દરોડામાં રૂા.3.50 લાખની રોકડ કબજે
સૌરાષ્ટ્રમાં સાતમઆઠમના તહેવારોની શરૂઆતની સાથે જ જુગારની મોસમ શરૂ થઈ ગઈ છે. તહેવારો ઉપર સૌરાષ્ટ્રમાં નાનામોટા જુગારધામો શરૂ થયા હોય જેના ઉપર પોલીસ વોચ રાખી રહી છે અને દરોડા પાડી રહી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે 20 થી વધુ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતી મહિલાઓ સહિત 100 થી વધુ જુગારીઓની ધરપકડ કરી રૂા.3.50 લાખથી વધુની રોકડ કબજે કરી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, સુલતાનપુર, ધોરાજી, જામકંડોરણા પંથકમાં અલગ અલગ 20 થી વધુ દરોડા પોલીસે પાડયા હતાં. જેમાં વરલીના જુગાર પણ પોલીસે ઝડપી લીધા હતાં. અલગ અલગ દરોડામાં ભાયાવદર, આંબરડી નેહ હનુમાન મંદિર પાસેથી ત્રણ શખ્સોને રૂા.21,350 સાથે, જેતપુર તાલુકાના વાંધારવાડ ગામેથી 7 શખ્સોને રૂા.45970ની રોકડ સાથે જ્યારે ધોરાજીમાં બે સ્થળોએ દરોડામાં 11 લોકો જુગાર રમતા પકડાયા છે. જેમાં ધોરાજીનાં રસુલપરા પાસે જુગાર રમતા સાત શખ્સોને રૂા.32500ની રોકડ સાથે જ્યારે ધોરાજીનાં માતાવાડી વિસ્તારમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત પાંચને રૂા.15,800ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જામકંડોરણામાં રોઘેલ ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.22,200ની રોકડ સાથે જ્યારે બીજા દરોડામાં જામકંડોરણામાં ખજુરડા ગામની સીમમાંથી છ શખ્સો 6,280ની રોકડ સાથે જુગાર રમતા પકડાયા, જ્યારે જેતપુરના રેસમડી ગાલોલ ગામે જુગાર રમતા 9 શખ્સો રૂા.71,500ની રોકડ સાથે ઝડપાયા હતાં. જ્યારે ગોંડલના સુલતાનપુર તાલુકાના લીલાખા ગામેથી જુગાર રમતા ચાર શખ્સો રૂા.5000ની રોકડ સાથે ઝડપાયા હતાં. ઉપરાંત ગોંડલ પંથકમાં અન્ય દરોડામાં ચરખડી ગામેથી 7 શખ્સો રૂા.30,250ની રોકડ સાથે ઝડપાઈ ગયા હતાં. ઉપરાંત ગોંડલમાં વરલીના બે દરોડામાં બે શખ્સો ઝડપાયા હતાં. તેમજ પડધરીમાં પોલીસે પાડેલા દરોડામાં સરપદડમાંથી જુગાર રમતા આઠ શખ્સો રૂા.24,200ની રોકડ સાથે અને મેટોડા પોલીસે હરીપરપાડમાં પાડેલા દરોડામાં જુગાર રમતા 11 શખ્સો રૂા.30,750ની રોકડ સાથે પકડાઈ ગયા હતાં.