મોહરમમાં ડીજે વગાડવા માટે પોલીસની મંજૂરી ફરજિયાત, રાત્રે 10 વાગ્યા પછી માઈક વગાડવા ઉપર પ્રતિબંધ
મોહરમ અને તાજિયાને લઈને પોલીસ કમિશનરનું મહત્વનું જાહેરનામું
9 ફૂટ થી વધારે ઊંચાઈના તાજિયા બનાવી શકાશે નહિ: છબીલ આસપાસ ગંદકી કરનાર સામે કાર્યવાહી કરાશે
મુસ્લિમોના પવિત્ર તહેવાર તાજીયા અને મોહરમ ને લઈને પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામામા મોહરમ નિમિત્તે નીકળતા તાજીયા અંતર્ગત ડીજે વગાડવાની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે અને રાત્રે 10:00 વાગ્યા પછી માઈક વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
શહેરમાં આગામી તા.5/7ના તાજીયા-મહોરમને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
જેમાં બેઠક સહિત 9 ફૂટ કરતા વધારે ઉંચાઈના તાજીયા બનાવવા, વેંચવા અને જાહેર માર્ગ પર પરીવહન કરવા પર પ્રતિબંધ મુકાયો છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા એ બહાર પાડેલા જાહેરનામા ઉપરાંત નિયત કરેલા સ્થળ સિવાય અન્ય સ્થળે તાજીયા મુકવા પર, જે સ્થળે તાજીયા બનાવવાની કામગીરી કરાય છે, તેમજ વેચાણ માટે રખાય છે તે સ્થળની આસપાસ ગંદકી કરવા કે ટ્રાફિકને અડચણ થાય તે રીતે તાજીયા રોડ ઉપર રાખવા પર મનાઈ કરાઈ છે. જયારે તાજીયાને બિનવારસી હાલતમાં મુકવા પર, અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાનીવાળા તાજીયા બનાવવા કે તેવુ વર્તન કરવા પર પણ મનાઈ ફરમાવાઈ છે. જયારે પરમીટમાં દર્શાવેલા રૂૂટ સિવાય અન્ય રૂૂટ પર નિકળવા પર, ગાઈડલાઈન મુજબ રાત્રે 10 થી સવાર 6 સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. એટલું જ નહીં ધ્વની પ્રદૂષણ અંગેના જાહેરનામાની અમલવારી કરવાનું જણાવાયું છે.
ડી.જે. વગાડવાની પરવાનગી જે-તે વિસ્તારનાં પોલીસ મથકેથી મંજુરી લેવાની રહેશે. પોલીસ મથક દ્વારા મંજુરી અપાઈ હોય તેમનાં નકકી કરેલા રૂૂટ ઉપર સમય મર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના રહેશે. તેમજ તાજીયા કમીટી દ્વારા જાહેર રોડ પર લગાવવામાં આવતા છબીલ ખાતે કચરા પેટી રાખવાની અને સફાઈ કરાવવાની વ્યવસ્થા કરવાની રહેશે.આ જાહેરનામું આજથી તા.7/7સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનારની સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરાશે.