પોલીસ હોકી ચેમ્પિયનશિપ અંતિમ ચરણમાં : આજથી પ્રી-ક્વાર્ટર મેચમાં 16 ટીમ વચ્ચે જંગ
સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસીયા અને ગીરગંગા પરિવારના દિલીપભાઈ સખિયાના હસ્તે વિજેતા ટીમોને સન્માનિત કરાઇ
રાજકોટ ખાતે ગત તા. 4 ડિસેમ્બરથી પ્રારંભ થયેલી 74 મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ 2025-26 હવે તેના અંતિમ ચરણમાં પ્રવેશી છે. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હોકી ગ્રાઉન્ડ તેમજ રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં 16 ટીમો વચ્ચે આજરોજ મુકાબલો થવા જઈ રહ્યો છે.
યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત પુરુષોની પ્રી-ક્વાર્ટર મેચમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસીયા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખિયાએ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આજરોજ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં બી.એસ.એફ. ટીમ 5-1 થી વિજેતા બની હતી. મેચ પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમના કેપ્ટન મનીષકુમાર તેમજ મેન ઓફ ધી મેચ કમલજીત સિંધુને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતાં.
આ તકે નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદી તેમજ ગીરગંગા પરિવારના હીરાભાઈ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું એ.સી.પી. ટ્રાફિક વિનાયક પટેલના હસ્તે મેમેન્ટો આપી સન્માન કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ દ્વારા આયોજિત 74 મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ અંતર્ગત રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ રેસકોર્સ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના હોકી ગ્રાઉન્ડ ખાતે મેચ રમવામાં આવી રહી છે. આગામી તા. 12 ના રોજ ક્વાર્ટર ફાઈનલ તેમજ તા. 13 ના રોજ સેમી ફાઈનલ અને તા. 14 ડીસેમ્બરના રોજ ફાઈનલ મેચ રમાશે. અંતિમ દિવસે ક્લોઝિંગ સેરેમની કાર્યક્રમ સાથે ચેમ્પિયનશિપની પૂર્ણાહુતિ જાહેર થશે.