લાપતા બનેલા ફઇ-ભત્રીજીના કેસમાં પોલીસ ધંધે લાગી
મહિલા કે તેનો ભાઇ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી, અપહરણનો ગુનો નોંધાવા પોલીસની તૈયારી
પૂછપરછમાં પણ પરિવાર સહકાર આપતો નથી, અલગ-અલગ ઇન્ટ્રોગેશન
શહેરના ગાંધીગ્રામ વિસ્તારની અલ્કાપુરીમાં રહેતા વેપારી પરિવારની આઠ વર્ષની પુત્રી અને તેની ફઇ સપ્તાહ પૂર્વે ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયા બાદ પોલીસે આ ફઇ ભત્રીજીને શોધી કાઢવા વિવિધ દિશામાં તપાસ કરી હોય જેમાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી. ફઇ ભત્રીજી બન્ને ઇન્દોર નજીકના એક ગામથી મળી આવ્યા બાદ હવે પોલીસ આ કેસમાં ધંધે લાગી છે. એનઆરઆઈ મહિલાએ ભત્રીજી સાથે પોતાનું અપહરણ થયાની કેફિયત આપી હોય જોકે આ મામલે એનઆરઆઈ મહિલા કે તેનો ભાઈ આ ઘટના બાદ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી ત્યારે પોલીસ હવે આ મામલે જાતે ફરિયાદી બને અપહરણનો ગુનો નોંધવાની તૈયારી કરી રહી છે. પોલીસ પુછપરછમાં પણ પરિવારના સભ્યો સહકાર આપતા ન હોય તમામની અલગ અલગ રીતે પુછપરછ શરુ કરવામાં આવી છે. આ મામલે એનઆરઆઈ મહિલા એ પોતના ભાઈ પાસે રૂૂપિયા પડાવવા આ પ્લાન બનાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મળતી વિગતો મુજબ અલ્કાપુરીમાં રહેતા રિયાઝભાઇ ફિરોઝભાઇ માખાણીની આઠ વર્ષની પુત્રી અનાયા અને તેમના બહેન રીમાબેન ફિરોઝભાઇ માખાણી સપ્તાહ પૂર્વે ગત તા.24ની રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. રીમાબેન તેમના ભાઇની કાર ચલાવતા હતા અને ભત્રીજીને તેમાં બેસાડી હતી. પુત્રી અનાયા ફઇ રીમાબેન સાથે કારમાં આંટો મારવા ગઇ હશે તેવું પરિવારજનોને લાગ્યું હતું, પરંતુ લાંબો સમય વીતવા છતાં ફઇ ભત્રીજી પરત નહીં આવતાં માખાણી પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ફઇ ભત્રીજી ક્યાં છે અને શા માટે મોડું થયું તે જાણવા પરિવારના સભ્યોએ તે દિવસે ફોન કરતાં ફોન લાગ્યો હતો, પરંતુ ફોન રિસીવ થયો નહોતો અને ત્યારબાદ રીમાબેનનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો.
માખાણી પરિવારે પોતાના સંબંધીઓને ત્યાં ફોન કરીને અનાયા અને રીમાબેન આવ્યા છે કે કેમ તે અંગેની તપાસ કરી હતી, પરંતુ તમામ સ્થળેથી આ બંને અંગે કોઇ માહિતી નહીં મળતાં માખાણી પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. છેલ્લા એક સપ્તાહથી ગુમ રીમા અને અનાયાના ગુમ થવા મામલે ક્રાઈમ બ્રાંચને તપાસમાં ઝંપલાવ્યું હતું જેમાં અનાયા અને રીમાબેન બન્ને ઇન્દોર તરફ હોવાની માહિતીને આધારે ઇન્દોરના બેતમાં પોલીસની મદદથી બન્નેને શોધી કાઢ્યા હતા. ક્રાઈમ બ્રાંચની તપાસ માં જાણવા મળ્યું કે અનાયા અને રીમાબેન ગુમ થવામાં રીમાબેનના રાજકોટના એક મિત્રએ જ મદદ કરી હતી.
રીમાબેનનું ભત્રીજીને લઇ ગુમ થવા પાછળનું સાચું કારણ ભાઈ પાસેથી રૂૂપિયા પડાવવાનું હતું કે અન્ય તે મામલે પુછપરછ કરતા રીમાએ પોતાનું ભત્રીજી સાથે અપહરણ થયાનું પોલીસને જણાવ્યું હતું આ મામલે હવે ક્રાઈમ બ્રાંચ ધંધે લાગી છે. મહિલાએ ભત્રીજી સાથે પોતાનું અપહરણ થયાની કેફિયત આપી હોય જોકે આ મામલે એનઆરઆઈ મહિલા કે તેનો ભાઈ આ ઘટના બાદ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી ત્યારે પોલીસ હવે આ મામલે જાતે ફરિયાદી બને અપહરણનો ગુનો નોંધવાની તૈયારી કરી રહી છે.