રાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થતાં પોલીસે કરાવ્યા યુગલોના ઘડિયા લગ્ન, કરિયાવર સામાજિક આગેવાનોએ આપ્યો
રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતાં જાનૈયાઓ રળઝી પડ્યા હતા. લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલાં વરવધૂ અને તેમનાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયાં હતાં.સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકો જાન જોડીને પરણવા પહોંચ્યા હતા, પરંતુ કોઈ વ્યવસ્થા ન હોવાથી પરિવારજનો મુશ્કેલીમાં મુકાયાં હતાં. જેના કારણે જાન લીલા તોરણે જ પરત ફરવા લાગતાં કન્યાઓ રડી પડી હતી. તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હત.અને અટવાયેલા સમૂહ લગ્નને પોલીસે ફરી શરુ કરાવ્યા હતા. રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે 6 નવદંપત્તીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
પોલીસની સાથે સાથે રાજકોટના સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા હતા અને લગ્નપ્રસંગે નવવધૂને જે કરિયાવર આપવાનો હોય છે તેની વ્યવસ્થા કરી આપી હતી. તો બીજી તરફ સામાજિક સંસ્થાઓ ભોજનની પણ તાત્કાલીક વ્યવસ્થા કરી આપી હતી.
મળતી વિગતો અનુસાર રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 28 કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40 હજાર રૂપિયા ઉઘારવ્યા હતા. સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા. હરખ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે કે વર-કન્યા ફેરા તો ફરી લેશે પરંતુ જમણવાર અને કરિયાવરની વ્યવસ્થા કોણ અને કેવી રીતે કરશે. પરિવાર અજ્નોએ હોબાળો મચાવતા પોલીસ ઘટના સથે પહોંચી હતી અને સમૂહ લગ્નને પોલીસે ફરી શરુ કરાવ્યા હતા.
રાજકોટ પોલીસે લગ્નવિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજક સામે આક્ષેપો થયા તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા છે. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. તો બીજી તરફ આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું ંસ્ટેટસ મૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. સમૂહલગ્નના આયોજકોએ વર અને કન્યાપક્ષ પાસેથી 15થી 40 હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું સામે આવ્યું છે.