વૃક્ષો કાપનાર સામે પોલીસ ફરિયાદ થશે: જયમીન ઠાકર
રાજકોટ શહેરના એરપોર્ટથી હનુમાનમઢી તરફના રોડ ઉપર આર.કે. બિલ્ડરના નામે શરૂ થતાં પ્રોજેક્ટને ખુલ્લુ મુકવા માટે ફુટપાથ ઉપર ઉભેલા ઘટાદાર વૃક્ષો કાપી નખાતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે દેકારો બોલી ગયેલ અને આ અંગે ગુજરાત મિરરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં મહાનગરાપલિકાના સ્ટેન્ડીંગ ચેરમેને આ ઘટનાની ગંભીરતા સમજી આજે આર.કે. બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરી નોટીસ આપી જવાબ ન મળે તો પોલીસ ફરિયાદ કરવા સુધીના પગલા લેવાના આદેશ જારી કર્યા છે.
રાજકોટ શહેરના એરપોર્ટથી હનુમાન મઢીને જોડતા રોડ ઉપર એક બિલ્ડરે પોતાની સાઈટનું લોકેશન ખુલ્લુ કરવા માટે ફૂટપાથ ઉપર ઉભેલા ઘટાદાર વૃક્ષોની કતલ કરાવી નાખતા આસપાસના વિસ્તારોના રહિશો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે દોકારો મચી જવા પામેલ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ એરપોર્ટ રોડ ઉપર રાત્રીના બે થી અઢી વાગ્યે અંધારાનો લાભ લઈ ફૂટપાથ ઉપર ઉભેલા 4થી 10 વર્ષ જૂના વૃક્ષો એક બિલ્ડરના માણસો દ્વારા કાપવામાં આવી રહ્યા હતાં. અને વર્ષો જૂના કેટલાક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતાં. આ દરમિયાન સ્થાનિક લોકો એકઠા થઈ જતાં અને વિરોધ નોંધાવતા બિલ્ડરના માણસો કેટલાક વૃક્ષો અધુરા કાપેલા છોડીને નાશી છૂટ્યા હતાં. આસપાસના રહીશોએ જણાવ્યું હતું કે, અહીં આર.કે. બિલ્ડરના નામે પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. તેના માણસોએ આ વૃક્ષોની કતલ કરી છે ત્યારે આ વૃક્ષો કાપવા માટે કોઈની મંજુરી લેવામાં આવી હતી કે મંજુરી વગર જ રાત્રીના અંધારામાં વૃક્ષોની કતલ કરી નાખવામાં આવી છે. તેવા સવાલો ઉઠી રહ્યા છે.