કાળીપાટ ચોકડી પાસેથી પોલીસે પીછો કરી કતલખાને ધકેલાતા 4 પશુઓના જીવ બચાવ્યા
શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર કાળીપાટ ચોકડી પાસેથી મોડીરાત્રે પોલીસે બાતમીના આધારે બોલેરોનો પીછો કરી ઠેબચડા ચોકડી પાસેથી બોલેરોને પકડી લઇ કતલખાને ધકેલાતા 4 પશુઓના જીવ બચાવી લીધા હતા. જયારે વાકાનેરના 3 શખ્સોની ધરપકડ કરી તેમના વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એ. આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ દેવાભાઇ ધરજીયા, સંજય બારોટ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો દરમ્યાન નવા 1પ0 ફુટ રીંગ રોડ પરથી બોલેરો પીકઅપ વાહનમા પશુ ભરી આવી રહી છે જે બાતમીના આધારે પોલીસે કાળીપાટ ચોકડી પાસે વોચ ગોઠવી ત્યાથી પસાર થતી શંકાસ્પદ બોલેરોને અટકાવવાની કોશીષ કરતા ચાલકે બોલેરો ભગાવી મુકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરી ઠેબચડા ચોકડી નજીક બોલેરોને આંતરી ઉભી રખાવી હતી અને બોલેરોની તલાસી લેતા તેમા ચાર બળદને ગીચોગીચ દોરડાથી બાંધેલા હોય અને ઘાસચારાની વ્યવસ્થા પણ કરેલી ન હોય જેથી પોલીસે ચારેય બળદને મુકત કરાવી બોલેરોમા સવાર ભુપત પોપટભાઇ પરમાર, ગેલા મારાજભાઇ પરમાર અને મુકેશ મારાજભાઇ પરમાર રહે. ત્રણેય વાકાનેરને ઝડપી લઇ તેમના વિરુધ્ધ પશુ ઘાતકી પણાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે કતલખાને ધકેલાતા ચારેય પશુઓના જીવ બચાવી લઇ તેમને રાજકોટ પાંજરાપોળ ખાતે ખસેડવામા આવ્યા હતા.