ગુજરાત હાઇકોર્ટ બાદ રાજકોટની નવી કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સર્ચ ઓપરેશન શરૂ
ગુજરાત હાઇકોર્ટ બાદ હવે રાજકોટની નવી કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાજકોટ સ્થાનિક પોલીસ, SOG, બોમ્બ સ્ક્વોડ સહિતનો સ્ટાફ કોર્ટ પહોંચી ગયો છે અને સઘન તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર રાજકોટની નવી કોર્ટને ઈ-મેઈલ દ્વારા ઘમકી મળી છે. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો પણ સમાવેશ થાય છે. બોમ્બની ધમકીને લઈને કોર્ટમાં અફરાતફરી મચી છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટને ફરી એક વખત ધમકીભર્યો ઇ-મેલ મળ્યો છે. આ વખતે હાઇકોર્ટમાં બોમ્બથી હુમલો કરવાની વાત ઈ-મેલમાં હોય એવું જાણવા મળી રહ્યું છે. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હાલ હાઇકોર્ટની સુરક્ષા સંદર્ભે હાઇકોર્ટ પહોંચ્યા છે. જ્યારે અલગ અલગ સ્થળે બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.