બાઇક ચોરી કરનાર બે શખ્સોની પોલીસે મયુર એવન્યુમાંથી કરી અટકાયત
જામનગરના શંકરટેકરી વિસ્તારમાંથી ત્રણ સપ્તાહ પૂર્વે એક બાઈકની ચોરી થઈ હતી. તેની શરૃ કરાયેલી તપાસમાં પોલીસે જામનગર તથા રાજકોટના બે શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સોએ ત્રીજા સાગરિત સાથે મળી ત્રણ બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી ત્રણેય બાઈક કાઢી આપ્યા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા એક આસામીનું જીજે-10-ડીબી 6018 નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા.16ની રાત્રિના સમયે ચોરાઈ ગયું હતું. જેની ફરિયાદ કરવામાં આવી હતી. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ કે.એસ. માણીયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમના સીસીટીવી ફૂટેજ પોલીસે ચકાસતા તેમજ સ્ટાફના ખીમશીભાઈ, યશપાલસિંહ, હોમદેવસિંહને મળેલી બાતમીના આધારે મયુર એવન્યુ પાસે આહિર કુમાર શાળા નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે બે શખ્સ બાઈકના સ્પેરપાર્ટ અલગ કરતા મળી આવ્યા હતા. શંકરટેકરીમાં સુભાષપરામાં રહેતા અજય જયંતિભાઈ રાઠોડ તથા રાજકોટના જંગલેશ્વરમાં રહેતા રાકેશ રમેશભાઈ પાટડીયા નામના આ બે શખ્સની અટકાયત કરી પૂછતરછ કરાતા તેઓએ પોતાના સાગરિત રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા વિશ્વજીત પ્રભાતભાઈ જરૃ સાથે મળી ત્રણ વાહનચોરી કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સે રૃા.70 હજારના ત્રણ બાઈક કાઢી આપ્યા છે. અજય તથા રાકેશની પોલીસે ધરપકડ કરી છે અને વિશ્વજીતની શોધ શરૃ કરવામાં આવી છે.