પીએમશ્રી શાળાઓમાં સુવિધાઓનો દુકાળ, બદતર હાલત
સરકારની ગ્રાન્ટમાંથી ચાલતી શાળાઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. તેમાં પીએમશ્રી યોજનાની જોગવાઇ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 18 જેટલી શાળાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટા ભાગની શાળાઓની હાલત ખસ્તા જોવા મળી રહી છે. રમત ગમતના મેદાનનો અભાવ, અપૂરતી બેંચ, શિક્ષકોની ઘટ, સીસીટીવીની સુરક્ષા નથી, કેટલીક શાળાઓમાં સિકયુરીટી નહીં હોવાથી ભારે મુશ્કેલી સંચાલકોને પડી રહી હોવાની રાવ ઉઠી છે.
પીએમશ્રી યોજના હેઠળ ચાલતી શાળાઓમાં સુત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામની પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર હોવા છતાં ઓપરેટરોના અભાવે બાળકો તે શિખવાથી વંચીત રહે છે. ગોંડલના સુલતાનપુરની શાળામાં 9 શિક્ષકો હોવા જોઇએ. પરંતુ હાલ ચારથી શિક્ષણકાર્ય ચલાવાય રહ્યું છે. વિંછીયાના મોઢુકાની શાળામાં 28 બેંચ ઉપર 100થી વધારે છાત્રો બેસવા માટે મજબુર છે. ઉપરાંત કોટડા સાંગાણીના વેરાવળમાં ક્ધયા શાળામાં રમત ગમત માટે મેદાન નથી. અને મોટાભાગની શાળામાં બેંચનો અભાવ જોવા મળી રહ્યો છે.
પીએમ શ્રી પ્રોજેક્ટ હેઠળ શાળાઓમાં દર વર્ષે 20 લાખ જેટલી ગ્રાન્ટ આવે છે. જેનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. ઓડિટ પણ થાય છે. આ ઉપરાંત આ શાળાઓને અન્ય સ્કૂલથી અલગ અને આધુનિક બનાવવા માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જોડવાની કામગીરી આચાર્ય દ્વારા કરવાની હોય છે. આ પ્રકારની કામગીરી ન કરવી પડે અને વિદ્યાર્થીઓને શાળાના વિકાસ માટે સ્કૂલ સમય ઉપરાંત વધારાનો સમય ન આપવો પડે તે માટે મોટાભાગના આચાર્યએ આ પ્રકારની શાળામાંથી પોતાની સામાન્ય સરકારી શાળામાં બદલી કરાવી નાખી છે જે બતાવે છે કે મોટાભાગના શિક્ષકોને વિદ્યાર્થીઓના વિકાસમાં રસ નથી.
રાજકોટની વિનોબા ભાવે શાળા નંબર 93માં સીસીટીવી કેમેરા, તમામ રૂૂમ અને લોબીમાં ટોઈલેટમાં પ્લમ્બિંગ કામ કરી પાણીની વ્યવસ્થા કરવાની જરૂૂર છે પાણી આવતું નથી. શાળા આચાર્ય ખંડમાં ફર્નિચરનાં કબાટ અને સોકેસ નથી. લાયબ્રેરીમાં કબાટ નંગ 5, ફર્નિચર, સ્પેશિયલ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટર ટીચરની જરૂૂરિયાત છે. શાળા બાગ માટે માળી, ફુલ ટાઇમ સિક્યોરિટી ગાર્ડ નથી. શાળા કમ્પાઉન્ડ વોલ પર ફેન્સિંગ, નવા બિલ્ડીંગ માટે વાઈફાઈ નેટ સુવિધા, લોખંડના ઓફિસ કબાટ 5ણ જોઈએ છે. બાલવાટીકા વર્ગ માટે ડેસ્ક, તમામ વર્ગ ખંડ માટે મોટા લોખંડના ટેબલ 10, ટોયલેટ બ્લોક તથા પાણીની ઓરડીની લોખંડની જારી વાળા દરવાજાની જરૂૂર છે. કેરેક્ટર વાળી કચરાપેટીઓ જેમ કે, કાંગારુ, વાંદરા, મંકીમાઉસ એવી 10 જોઇએ છે. શાળાની ફરતે હેલોજન લાઈટ, બાળકોના ચપ્પલ રાખવાનાં ઘોડા 10, કલર પ્રિન્ટર અને વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમમાં રીપેરીંગની જરૂૂર છે. પરંતુ હાલ આ તમામની અછત છે. તેમ સુત્રોએ જણાવ્યું છે.
પ્રેક્ટિકલ માટે લેબ, કોમ્પ્યુટરના નિષ્ણાંત શિક્ષકો જ નથી
ડિઝીટલ અને પ્રેકટીકલ યુગનો સમય ચાલી રહ્યો છે. ટેકનોલોજી સર્વોપરી માનવામાં આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાની પીએમશ્રી યોજના અંતર્ગત ચાલતી 18 જેટલી શાળાઓમાંથી મોટાભાગની શાળામાં વિદ્યાર્થીઓ પ્રેકટીકલ પ્રયોગ કરી શકે તે માટે લેબ જ નથી. જયારે કેટલીક શાળામાં કોમ્પ્યુટર છે પણ તેને શીખવવાવાળા નિષ્ણાંત શિક્ષકો જ નથી. જેથી બાળકોને અભ્યાસમાં સમસ્યા થઇ રહી છે.