અતિવૃષ્ટિથી ખેડૂતોની પીડાદાયક સ્થિતિ; સરકારે તાત્કાલિક પગલાં લેવા માંગ
જમીનોના શેઢા તૂટી ગયા: જમીનમાં ધોવાણ થવાથી વોંકળામાં પડી ગયા: જમીનો પરથી બહારથી આવેલ માટી, પથ્થરો અને અન્ય કચરાના ઢગલા થઈ ગયા: આવી વિપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વખત બની
જામનગર જિલ્લાના બાદનપર ગામના ખેડૂતો હાલમાં અતિવૃષ્ટિ અને ઉડ નદીના કાંઠા ક્ષેત્રના ધોવાણને કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ચાલુ વર્ષે ઓગસ્ટમાં થયેલા અતિવૃષ્ટિને કારણે ઉડ-1 અને ઉડ-2 ડેમ ઓવરફ્લો થતાં, તેનું પાણી ખેતરોમાં પ્રવેશી ગયું હતું. આના કારણે ખેડૂતોના મુખ્ય પાકો જેવા કે કપાસ અને મગફળીને ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકો જેવા કે આંબા, નાળિયેરી, ચીકુ, ખારેક, બોરડી વગેરે પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે.
જમીનોના સેઢા તૂટી ગયા છે અને જમીનમાં ધોવાણ થવાથી વોકરા પડી ગયા છે. આ ઉપરાંત, જમીનો પરથી બહારથી આવેલ માટી, પથ્થરો અને અન્ય કચરાના ઢગલા થઈ ગયા છે. આવી વિપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વખત બની છે, જેના કારણે ખેડૂતો પાસે પુનર્વસન માટે પૂરતું સાધન નથી. સરકાર દ્વારા બનાવેલ અધકચરા બંધ પાળા તૂટી જવાને કારણે સરકારી નાણાનો દુરુપયોગ થયો છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે.
ખેડૂતો સરકાર પાસેથી તાત્કાલિક સહાય, ધોવાણ થયેલ જમીનને સરખી કરવા માટે સાધન સામગ્રી, ખેતરો અને વાડીએ જવાના રસ્તાઓનું સમારકામ, ઉડ-2 નદીના પટ વિસ્તારમાંથી રેતી કાઢવાની લીઝ બંધ કરવા, પાક અને જમીન ધોવાણની બાબતે સર્વે કરી નુકસાની મુજબ સહાય ચુકવવા, નદીમાં જતી રહેલ જમીન અને તણાઈ ગયેલ સાધન સામગ્રીનું વળતર આપવા જેવી વિનંતી કરી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે, ઉડ-2 ડેમ વિસ્તારમાં પાણી નિકાલ માટે અગાઉ આયોજન હતુ જે હાલ બંધ છે. બધુ પાણી મુખ્ય નદીમાંથી જ વહે છે. આથી આ જુના નિકાલો ફરીથી ચાલુ થાય કે જેથી કરીને પાણીનો પ્રવાહ ધટાડી શકાય. સરકારશ્રી ધ્વારા એવી એક પેટા કેનાલ બનાવવામાં આવે જે જરૂૂરીયાત મુજબ પાણી ને ડાયવર્ટ કરીને સીધુ સમુદ્રમાં મોકલી શકાય. ગામની ગૌચર જમીનમાં આવેલ ગાંડા બાવળોનો નિકાલ કરવો જે પાણીને જવા માટે અવરોધ રૂૂપ છે. જોડીયા થી જામનગર જવા માટે આવેલ રોડ પાણીને અવરોધ રૂૂપ થાય છે. જે પાણી ને રોકીને પરત મોકલે છે. આથી આ રોડ પર ફલાયઓવર પુલ બનાવીને પાણીનો યોગ્ય નિકાલ કરી શકાય આવા પુલનું નિર્માણ કરવામાં આવે. નદીના કાંઠે સીમેન્ટ કોઢિીટનું પેચીંગ કરી પાકો કાંઠાનું આયોજન થાય.
ખેડૂતોની આ પીડાદાયક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ખેતી અને ખેડૂત મજબુત હશે તોજ દેશનો વિકાસ અને વિશ્વનું કલ્યાણ થશે.