For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રમો…રમો…પરોઢિયા સુધી ગરબે ઘુમો

03:39 PM Sep 28, 2024 IST | Bhumika
રમો…રમો…પરોઢિયા સુધી ગરબે ઘુમો
Advertisement

નવરાત્રીના તહેવારોમાં સવારે પાંચ વાગ્યા સુધી ગરબે રમવાની છૂટ, ખાણી-પીણીના ધંધાર્થીઓને પણ પોલીસ હેરાન નહીં કરે: હર્ષ સંઘવીની જાહેરાત

ગુજરાતમાં ચાલુ વર્ષે આકરી શરતો અને આકરા નિયમોથી ગરબા આયોજકો અકળાયા છે પરંતુ ખેલૈયાઓ માટે રાજય સરકારે મેદાન ખુલ્લુ મુકી દીધું હોય તેમ વહેલી સવાર સુધી ગરબે રમવાની છુટ આપી દીધી છે. સાથો સાથ ખાણી-પીણીના ધંધાર્થીઓને પણ રાતભર ધંધો કરવાની છુટ આપી છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડીયા ઉપર વીડીયો મુકીને આ અંગે જાહેરાત કરી હતી. જો કે તેમણે ઉત્સાહના આનંદમાં અન્ય લોકો હેરાન થાય નહીં તે જોવા પણ અપીલ કરે છે.

Advertisement

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. 3 ઓક્ટોબર ગુરૂૂવારથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે સરકારે ખેલૈયા, ગરબા આયોજકો અને ખાણી પીણીના વેપારીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વર્ષ નિયમોના પાલન સાથે રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબે રમી શકાશે. તેમણે કહ્યું કે, લાઉડ સ્પીકર બંધ કરીને 12 વાગ્યા બાદ પણ ગરબાનું આયોજન ચાલુ રાખી શકાશે. તેમણે કહ્યું કે, નિયમોનું પાલન કરો અને મોડે સુધી રમો ગરબા, આયોજકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ખેલૈયાઓ-નાના વેપારીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર છે. આ વર્ષે નિયમોના પાલન સાથે મોડે સુધી રમી ગરબે રમી શકાશે.

રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર બંધ કરીને મોડે સુધી ગરબા ચાલુ રાખવાની આ વર્ષે છૂટ અપાઇ છે. તેથી આ વર્ષે મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ બાદ લોકો નાઇટ લાઇફને માણતા ખાણી પીણીની મજા માણી શકશે. ખાણી પીણીના વેપારી, ગરબાનો આયોજકો અને ખેલૈયાઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

આ અંગેની જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ મૉં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને મોડીરાત સુધી ગરબા કરી શકે સાથે સાથે નાના વેપારીઓ, ફેરીયાઓ, રોજમદારો વેપાર કરી શકે તેવી પણ ચિંતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ આ બધા જ વેપારી મિત્રો સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને રાજ્યના નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી મનાવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સુચના આપવામાં આવી છે.સાથે સાથે ખેલૈયાઓ અને આયોજકોને પણ ખાસ વિનંતી છે કે મ્યુઝિક અને ડીજેના કારણે અન્ય નાગરિકો હેરાન ન થાય એ રીતે તેનો ઉપયોગ કરવામાં આવશે તેઓ મને પૂર્ણ વિશ્વાસ છે.

પાવાગઢ, માતાનો મઢ આઠમા નોરતે આખી રાત ખુલ્લા રહેશે

નવરાત્રિ દરમિયાન કચ્છની કુળદેવી આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં પગયાત્રા કરીને પણ ભક્તો પહોંચે છે. આ અવસરે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન માતાનામઢ મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. મઢમાં દર્શન માટે સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુંધીનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આઠમના આખી રાત મંદિર ખુલ્લું રહેશે. શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરના સમયમાં પણ નવરાત્રિને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરના કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિના નવા સમયની જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વારા વહેલા ખોલવામાં આવશે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. પ્રથમ નોરતે એટલે તા.3 ઓક્ટોબર, 6 ઓક્ટોબર ત્રીજા નોરતે, 11 ઓક્ટોબર આઠમના રોજ, 13 ઓક્ટોબર દશમા નોરતે અને 17 ઓક્ટોબર પુનમના રોજ દર્શન સવારે 4 વાગ્યે ખુલી જશે અને રાત્રે 8 વાગ્યા સુધી માંઇ ભક્તો માના દર્શન કરી શકશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement