ફટાકડા સ્ટોલ માટે મનપાની જમીન સસ્તામાં લ્હાણી કરવાનો કારસો
નિયત કરેલ 15X15ના ગાળાની અપસેટ પ્રાઇઝ મુજબ વધારાની જમીનનો ભાવ લેવાનો અધિકારીઓનો પ્રસ્તાવ, પદાધિકારીઓએ મંજૂરીની ફાઇલ અટકાવી દીધી !
મહાનગરપાલિકાની તીજોરી ભરવા માટે તંત્ર દ્વારા અનેક પ્રકારના ઉધામાઓ કરવામાં આવી રહ્યા છે અને આવક વધારા માટે પણ નવા આવકના સ્ત્રોત વધારવાનો પ્રયાસ અધિકારીઓ દ્વારા થઇ રહ્યો છે. છતાં અનેક કામોમાં રાજકીય વિધ્ન આવતા આવકમાં વધારો થતો નથી. જેમાં ફરી વખત મહાનગરપાલિકાના ખાલી પ્લોટ ફટાકડા સ્ટલો માટે આપવા હરરાજી યોજવાનો ટાઇમ નજીક આવી જતા છતા શાસકો દ્વારા આવક વધારવાનો પ્રસ્તાવ મંજૂર કરવાના બદલે જૂની આવક ચાલુ રાખવાનો હઠાગ્રહ કરી મંજૂરી માટે મુકવામા આવેલ ફાઇલને એપ્રવલ ન આપતા દિવાળી આડે હવે ગણતરીના દિવસો બાકી હોય એસ્ટેટ વિભાગ પણ મૂંઝવણમાં મૂકાઇ ગયાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ દર વર્ષની માફક આ વર્ષે પણ મહાનગરપાલિકાની માલિકીના નાના મવા સર્કલ સહિતના પ્લોટ ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમામ પ્લોટ અપસેટ પ્રાઇઝ સાથે હરરાજી કરવાની હોય જાહેરાત કરવાની મંજૂરી માંગવામાં આવી છે.
પરંતુ છેલ્લા પાંચ દિવસથી શાસકપક્ષ અથવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજ સુધી મંજૂરી ન અપાતા એસ્ટેટ વિભાગને આશ્ર્ચર્ય થયું છે.સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે 15ડ15 ચોરસ મીટરના ગાળા તૈયાર કરી તેની અપસેટ પ્રાઇઝ મુજબ હરરાજી યોજવામાં આવે છે. ત્યારબાદ આ ગાળા ભાડે રાખનાર આસીમોઓ દ્વારા વધારાની જગ્યાના અપસેટ પ્રાઇઝની અડધી કિંમતના પૈસા મનપાને ચૂકવવામાં આવે છે.
પરંતુ આ વર્ષે અધિકારીઓએ નક્કી કરેલ કે, હરરાજીમાં મળતી પૂરા ભાવની જગ્યા કરતા અડધા ભાવથી મળતી જગ્યા વધુ મળે છે. જેના લીધે હરરાજીમાં અનેક વેપારીઓ ઉચ્ચીબોલી બોલતા નથી. આથી વધારાની જગ્યા પણ હરરાજીમાં બોલાયેલ ભાવ મુજબ આપવામાં આવે તો મહાનગરપાલિકાને ડબલ આવક થઇ શકે તેમ છે અને આ મુજબની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી અર્થે મોકલવામાં આવી છે. જે આજ સુધી મંજૂર થઇ નથી.
સૂત્રોએ વધુમાં જણાવેલ કે, ફટાકડા ના સ્ટોલની જગ્યા ભાડે રાખનાર અમૂક વેપારીઓ રાજકીય છત્રછાયા ધરાવતા હોવાનુ જાણવા મળેલ છે. જેના લીધે આ લોકોને ફાયદો થાય અથવા આ લોકોએ રજૂઆત કરી હોય કે, ગમે તે કારણોસર હરરાજીની ફાઇલ મંજૂર કરવામાં આવી નથી કે, કદાચ મંજૂરી મળેશે તો પણ જૂની સીસ્ટમ મુજબ વેપારીઓને લાભ થાય તેવો નિર્ણય લેવામાં આવે તેવુ લાગી રહ્યુ છે. દિવાળી તેહવારો આડે હવે ગણતરીના દિવસો હોય જાહેરાત તેમજ હરરાજી ગોઠવવા સહિતના કામ માટે હવે સમય ઓછો છે છતા ફાઇલ મંજૂર કરવામાં આવી નથી જેના લીધે દિવાળી ઉપર એસ્ટેટ વિભાગને કામનુ ભારણ વધી જવાનો ભય સતાવી રહ્યો છે.
તંત્રને આવક થતી હોય તેવી ફાઇલો અટકવાનો સિલસિલો જારી !
મહાનગરપાલિકામાં શહેરીજનો માટેના પ્રોજેકટ અથવા મહાનગરપાલિકાને આવક થતી હોય તેવા પ્રકારના કામો મંજૂર કરવા માટે અધિકારીઓ દ્વારા દરખાસ્ત તૈયારી કરી મંજૂરી અર્થે મોકલવામાં આવતી હોય છે. પરંતુ અનેક દરખાસ્તો મંજૂર કરવામાં વિલબ થતો હોવાનુ જોવા મળ્યુ છે. અમૂક પ્રોજેકટોમાં અમૂક ખાસ લોકોનું હિત સચવાય તે પ્રકારનો વહીવટ કરી સમય બરબાદ કરી અંતે પોતાની મનમાની કર્યા બાદ આ પ્રકારના કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે ફટાકડાના સ્ટોલની હરરાજીમાં પણ અમૂક લોકોનું હિત સાચવવા દરખાસ્ત મંજૂર કરવામાં આવતી નથી. તેવી ચર્ચા જાગી છે.