રૈયામાં અનેક સોસાયટીમાં પ્લાન મંજૂરી બંધ
જમીનના વિવાદમાં કોર્પોરેશનની મનમાની સામે ખુદ ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યની કલેકટર સમક્ષ રજૂઆત
રાજકોટના રૈયા વિસ્તારમા એક મોટી જમીનની માલિકી માટે સરકાર અને ખાતેદાર વચ્ચે વર્ષોથી ચાલતા વિવાદના કારણે રૈયાના સર્વે નં. 230, 231 અને 232 સહિતના લાગુ સરવે નંબરોની જમીનમાં બાંધકામ માટે પરવાનગી નહીં અપાતી હોવાની તથા વિકાસકામો પણ પાંચેક વર્ષથી કોર્પોરેશને અટકાવી દીધાની રજુઆત રહેવાસીઓ દ્વારા આ વિસ્તારના કોર્પોરેટરો અને ધારાસભ્યને સાથે રાખીને કરવામાં આવી હતી.
લોકો દ્વારા કલેકટર સમક્ષ કરાયેલી રજુઆતમાં કલેકટર કચેરીના હુકમોનુ ખોટુ અર્થ ઘટન કરી કોર્પોરેશન દ્વારા લોકોને બાંધકામ પરવાનગી પણ આપવામા આવતી નથી જયારે ખાનગી કંપનીઓને કેબલ પાથરવાની મંજુરી અપાઇ હોવાનું જણાવતા કલેકટર પણ ચોંકી ઉઠયા હતા.
રજુઆતમા જણાવાયુ છે કે , રાજકોટ મહાનગર પાલીકામા સમાવિષ્ટ બંસી પાર્ક ઇન્દ્રપ્રસ્થનગર , કામધેનુ પાર્ક તેમજ આજુ બાજુનાં રૈયાનાં સર્વે નં મા બીનખેતી થયેલ જમીનનાં પ્લોટમા બિલ્ડીંગ પ્લાનની બાબતમા એપ્રોચ ન મળવાનાં પ્રશ્ર્નનાં કારણસર આ વિસ્તારમા બિલ્ડીંગ પ્લાન મંજુર કરતા નથી. જયારે ભુતકાળમા 2020 સુધી પ્લાન મંજુર કરવામા આવતા તેમા કંમ્પ્લીસન પણ આપવામા આવેલ છે આ રીતે આજુ બાજુની સોસાયટીઓ ડેવલપ પણ થયેલ છે. 2020 પછીથી કલેકટર કચેરીની વાતનુ ખોટુ અર્થઘટન કરી બાંધકામ પરવાનગી આપવાનુ બંધ કરી દીધેલ છે.આ બાબતે આપશ્રી ઘટતુ કરી ફરીથી પ્લાન મંજુર કરી આપે તેવી રજુઆત કરવામાં આવી હતી.