For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોમતી નદીનું પાણી વધતા યાત્રિકો ફસાયા: 40થી વધુ લોકોનું કરાયું રેસ્કયું

01:46 PM Mar 28, 2024 IST | Bhumika
ગોમતી નદીનું પાણી વધતા યાત્રિકો ફસાયા  40થી વધુ લોકોનું કરાયું રેસ્કયું

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન પહેલા ગોમતી સ્નાનનું અનેરૂ મહત્વ છે. અહીં ગોમતી નદીના સામે પાર આવેલા પંચકુઇના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. અને ગોમતી નદી પર આવેલ સુદામા સેતુ પાર કરી, પંચકુઇના દર્શન કરવા યાત્રિકો જતા હોય છે.પરંતુ છેલ્લા થોડા વર્ષો થયા મોરબી પુલ દુર્ઘટનાનો બનાવ બનતા દ્વારકાના સુદામા સેતુને બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના લીધે બહારગામથી અહીં આવતા યાત્રિકો સામે કાંઠે આવેલા પંચકુઈ તથા દરિયાની મોજ માણવાથી વંચિત રહે છે.

Advertisement

પવિત્ર ગોમતી નદી દરિયા સાથે જોડાયેલ હોય, દરિયામાં આવતી ભરતી તથા ઓટના સમયે ગોમતી નદીમાં પણ પાણીની માત્રા ઓછી-વધુ થાય છે. જેના કારણે દિવસ દરમિયાન ઓટના સમયે ગોમતી નદીમાં પાણી નહિવત થઈ જતું હોય છે. જેથી યાત્રિકો ગોમતી નદીની અંદરથી પગપાળા સામે કાંઠે જતા હોય છે. પરંતુ જ્યારે ભરતીનો સમય થતાં ગોમતી નદીમાં પણ પાણીની આવક આવતી હોય છે. આ બનાવથી મોટાભાગના યાત્રિકો અજાણ હોવાથી દુર્ઘટનાનો ભોગ બને છે.

આવી જ એક ઘટના દ્વારકા ગોમતીઘાટ ખાતે બની હતી. બહારગામથી આશરે 40 લોકો દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેઓ ગોમતી ઘાટ ખાતે ગયા હતા અને ગોમતીમાં પાણી ખૂબ ઓછા પ્રમાણમાં હોવાથી તે લોકો પગપાળા ચાલી ગોમતી નદીમાંથી સામે કાંઠે પંચકુઈ તથા દરિયાની મોજ માણવા ગયા હતા. આ સમય દરમિયાન દરિયામાં ભરતી આવી જતા ગોમતીમાં પણ દરિયાના પાણીની આવક વધી હતી. જેનો ખ્યાલ આ લોકોને ન હોવાથી તેઓ પરત ગોમતી નદી અંદરથી પરત આવવા લાગ્યા હતા. પરંતુ ભરતીનો સમય હોવાથી પાણીનો પ્રવાહ વધુ હતો. જેના કારણે આ લોકો પાણીમાં ફસાયા હતા અને ડૂબવા લાગ્યા હતા. પરંતુ ફાયર વિભાગ તથા સ્થાનિક લોકોના સહયોગથી બોટ દ્વારા આ તમામ લોકોને સહી સલામત બહાર કાઢી શકાયા હતા. જેના કારણે કોઈ જાન માનની નુકસાની થઈ ન હતી.

Advertisement

છેલ્લા કેટલાક વર્ષથી મોરબી પુલ દુર્ઘટના બન્યા બાદ દ્વારકાના સુદામા સેતુને સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો. જેના અનેકવાર અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હોવા છતાં પણ તંત્ર દ્વારા આ સુદામા સેતુને ફરીથી લોકો માટે શરૂ ન કરાતા આવી દુર્ઘટના સર્જાઈ હતી. સદભાગ્યે મોટી જાનહાની થતા અટકી હતી.
આ પરિસ્થિતિમાં હવે તાકીદે સુદામા સેતુ ફરીથી ખુલ્લો મુકવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement