વ્યાયામ શિક્ષકોની જૂનમાં ભરતી કરાશે, શિક્ષણ વિભાગનો પરીપત્ર
છેલ્લાં ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે અનુસાર, જૂન મહિનામાં શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને નિર્ણય લેવાયો છે. જૂન મહિનામાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરતી પ્રક્રિયાને લઈને એક કમિટીની રચના કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા કમિટીમાં શિક્ષણ મંત્રીનો અને શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવશે. મે મહિના સુધીમાં માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી વ્યાયમ શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવતા ઉમદવારો દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે 30 દિવસથી વધુ આંદોલન કરવામાં આવ્યું હતું અને કાયમી ભરતી કરવાની માંગણી કરવામાં આવી હતી.
રાજ્યની મોટા ભાગની સ્કુલોમાં વ્યાયમ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાના કારણે શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શારિરીક શિક્ષણની તાલીમ નહીં મળતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. જેને લઈને હાલ સરકાર એકશનમાં આવી છે અને ભરતી કરવા નિર્ણય લેવાયો છે.