PGVCLના મીટર ફિટિંગના કોન્ટ્રાક્ટરનો આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી આપઘાત
ઘંટેશ્વર પાસેની ઘટના: બિલ પાસ ન થતા આર્થિક સંકડામણથી પગલુ ભર્યાનો પરિવારનો આરોપ
શહેરમાં બેડી ચોકડી પાસે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા પીજીવીસીએલમાં મીટર ફીટીંગ કોન્ટ્રાક્ટરે આઠ દિવસ પૂર્વે ઘંટેશ્વર પાસે મેલડી માતાજીના મંદિરે ઝેરી દવા પી લીધી હતી. યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. અને કોન્ટ્રાક્ટર યુવકે કોન્ટ્રકટના બિલ પાસ નહીં થતા આર્થિક ભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બેડી ચોકડી પાસે આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા જેરામભારથી જેઠાભારથી ગોસાઈ નામનો 39 વર્ષનો યુવાન ગત તા.15/8 ના રોજ શેઠનગરથી ઘંટેશ્વર ગામ જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જેરામભારથી ગોસાઈ બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેરામભારથી ગોસાઈ પીજીવીસીએલમાં મીટર ફીટીંગના કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો પરંતુ કોન્ટ્રાક્ટના બિલ પાસ ન થતા આર્થિક સંકડામણથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.