સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવામાં આવશે
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL ) દ્વારા સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં 9 નવા સબ ડિવિઝન શરૂૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. છ મહિનામાં આ નવા 9 સબ ડિવિઝનનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ નિર્ણયથી અંદાજે અઢી લાખ જેટલા વીજ ગ્રાહકોને મોટો ફાયદો થશે, કારણ કે હવે વીજ પુરવઠામાં ખલેલ પહોંચતા ફોલ્ટ શોધવામાં અને રિપેર કરવામાં 20 ટકા જેટલી ઝડપ આવશે. PGVCL , જે સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં આશરે 61 લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડે છે, તેની કચેરી હેઠળ હાલ 46 ડિવિઝનમાં 281 સબ ડિવિઝન કાર્યરત છે. આગામી પાંચથી છ મહિનામાં આ નવા 9 સબ ડિવિઝનનું નિર્માણ થશે.
PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ નવી સબ ડિવિઝન કચેરીઓ કાર્યરત થતાં દરેક કચેરીમાં અધિકારીઓ સહિત 40 વ્યક્તિઓના નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવશે. આ સ્ટાફમાં 1 ડેપ્યુટી એન્જિનિયર, 2 જુનિયર એન્જિનિયર, એકાઉન્ટ સાઈડમાં 1 ડેપ્યુટી સિનિયર આસિસ્ટન્ટ, 6 જુનિયર આસિસ્ટન્ટ, લાઇટ ઇન્સ્પેક્ટર, લાઇનમેન, આસિસ્ટન્ટ લાઇનમેન અને હેલ્પરનો સમાવેશ થાય છે. આ નવા સબ ડિવિઝનોના નિર્માણથી વીજ ગ્રાહકોને વીજ પુરવઠા સંબંધિત ફરિયાદોના નિવારણમાં વધુ કાર્યક્ષમતા અને ઝડપનો અનુભવ થશે, જેનાથી વીજ સેવાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.
કયાં બનશે નવા સબડિવિઝન
રાજકોટ રૂૂરલ સર્કલ- પડધરી 2
રાજકોટ રૂૂરલ સર્કલ- પાટણવાવ
સુરેન્દ્રનગર - વણોદ
સુરેન્દ્રનગર- થાન રૂૂરલ
પોરબંદર - માળજાવાના
જામનગર- વિરપુર
જામનગર- ફલ્લા
જૂનાગઢ - મોટા કોટડા
ભાવનગર - પીંઢળપુર