હળવદના સુંદરીભવાનીમાં રીપેરિંગ સમયે શોક લાગતા પીજીવીસીએલના કર્મચારીનું મોત
હળવદના સુંદરીભવાની ગામે રીપેરીંગ કરી રહેલ વીજ કર્મચારીને વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના કલ્યાણપરા હાલ હળવદ સુંદરી ભવાની ગામે ભાડાના મકાનમાં રહેતા બાબુભાઈ ભોપાભાઇ શિયાળિયા (ઉ.વ.45) નામના કર્મચારી સુંદરીભવાની ગામે 66 કેવી જીઇબી સબ સ્ટેશનમાં 11 કેવી ઇલેક્ટ્રિક વીજ લાઈન બંધ કરી તેના પર રીપેરીંગ કામ કરતા હતા ત્યારે અકસ્માતે વિજલાઈનનો ઇલેક્ટ્રિક તાર બાજુમાં આવેલ ચાલુ વીજ લાઈનના તારને અડી જતા વીજશોક લાગતા મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
માટલે ગામે આવેલ સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રાત્રીના ઊંઘમાંથી ઉઠી બાથરૂૂમ જતી વખતે 15 વર્ષનો સગીર અકસ્માતે છત પરથી નીચે પડી જતા ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના માટેલ ગામે લેપર્ડ સિરામિક લેબર ક્વાર્ટરમાં રહેતા નીજામુદીન જબ્બારભાઈ નાઈનો 15 વર્ષનો દીકરી રમજાન ગત તા. 05 ના સુતો હતો અને ઊંઘમાંથી રાત્રીના દોઢેક વાગ્યે ઉઠી બાથરૂૂમ કરવા જતો હતો ત્યારે અકસ્માતે છત પરથી નીચે પડી જતા શરીરે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન સગીરનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબી જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા 22 વર્ષીય યુવાનનું મોત થયું છે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબીના રબારીવાસમાં રહેતો કરોતરા અમિત દેવરાજભાઈ (ઉ.વ.22) નામનો યુવાન ગત તા 05 ના રોજ જૂની આરટીઓ કચેરી પાસે ઉંદરડી માતાજીના મંદિર પાસે નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.