ઈજનેર-ફાર્મસીના પ્રવેશ માટે આજથી શરૂ થતી પીજીસીઈટીની પરીક્ષા ફરી મોકૂફ
રાજયમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે આવતીકાલ તા.27મી અને 28મીએ લેવાનારી PGCET પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આમ, સળંગ બીજી વખત આ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.માસ્ટર ઓફ ઇજનેરી, ફાર્મસી, આર્કિટેકચર અને પ્લાનિંગ સહિતના કોર્સમાં પ્રવેશ માટે અલગ અલગ કાઉન્સિલ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે.
આ પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે સ્થાનિકકક્ષાએ PGCET લેવામાં આવતી હોય છે. અગાઉ આ પરીક્ષા 20 અને 21મીએ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. પરંતુ જીપેટનું પરિણામ જાહેર ન થવાના કારણે અને અન્ય પરીક્ષાઓ હોવાથી PGCET સ્થગિત કરવામાં આવી હતી. આ પરીક્ષા હવે 27 અને 28મી જુલાઇના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જે વિદ્યાર્થીઓે જીપેટ આપી ન હોય અથવા તો માસ્ટર ઓફ ઇજનેરી માટે ગેટ આપી ન હોય તેવા વિદ્યાર્થીઓ PGCET આપતાં હોય છે. પ્રવેશ સમિતિ દ્વારા આવતીકાલ 27મી અને 28મી જુલાઇના રોજ આ પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હાલમાં રાજયમાં જુદા જુદા શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક શહેરોમાં પૂરની સ્થિતિ છે. આ સ્થિતિમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું મુશ્કેલ બને તેમ છે.
આમ, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આવતીકાલે અને 28મીએ લેવાનારી પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. આ પરીક્ષા હવે આગામી 3 અને 4 ઓગસ્ટના રોજ લેવામાં આવે તેવી શક્યતા છે. જોકે, હાલમાં હવામાન અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને 30મી જુલાઇએ વેબસાઇટ પર પરીક્ષા કયારે લેવામાં આવશે તે સહિતનું શિડ્યૂલ અને કાઉન્સેલિંગ જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને એવી તાકીદ પણ કરવામાં આવી છે કે, હાલમાં પરીક્ષાની હોલ ટિકિટ અને પરીક્ષા સમયપત્રક અને જાહેર કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવશે તેની જાણ આગામી દિવસોમાં કરવામાં આવશે. નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રવેશ સમિતિ દ્વારા જીપેટના કટ ઓફ જાહેર કરવામાં આવ્યા ન હોવાથી જીપેટ આપનારા સહિત તમામ વિદ્યાર્થીઓને PGCET આપવા સૂચના આપવામાં આવી હતી.