કાનૂની વિવાદના કારણે PG મેડિકલ પ્રવેશ પ્રક્રિયા ખોરંભે
પીજી મેડિકલ એમડી-એમએસમાં પ્રવેશ માટેNEETનું પરિણામ જાહેર થયા બાદ હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી નથી. કેટલાક વિદ્યાર્થીઓએ OMR આન્સર સીટ અને વ્યક્તિગત માર્કસના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રિટ કર્યા બાદ સમગ્ર પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. હવે કોર્ટમાં આગામી 25મી ઓક્ટોબરે વધૂ સુનાવણી થયા બાદ કાર્યવાહી શરૂૂ થશે કે નહીં તેનો નિર્ણય કરાશે.
PG મેડિકલમાં પ્રવેશ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારાNEET લેવામાં આવી હતી. આ NEETનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં OMR સીટ અને વિદ્યાર્થીઓને માર્કસ આપવાના મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં રિટ કરી હતી. આ રિટને કારણે હાલમાં PG મેડિકલની પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. રાજ્યમાં PG મેડિકલની અંદાજે 2700 બેઠકો ઉપલબ્ધ છે.
આ બેઠકો પર પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીઓએ પણ હવે લાંબો સમય રાહ જોવી પડી તેમ છે. સૂત્રો કહે છે કે, કોર્ટમાં આગામી 25મી ઓક્ટોબરે વધુ સુનાવણી રાખવામાં આવી છે. આ સુનાવણીમાં કયા પ્રકારનો નિર્દેશ કરવામાં આવે છે તેના આધારે પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂૂ કરવી તે નક્કી કરવામાં આવશે. હજુ સુધી પ્રવેશ માટેનો કોઇ કાર્યક્રમ જ જાહેર કરવામાં આવ્યો નથી. બીજી બાજુ યુ.જી. મેડિકલ એટલે કે ખઇઇજ અને ડેન્ટલમાં પ્રવેશ માટે પણ ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો નથી. તાજેતરમાં મેડિકલ કમિશન દ્વારા ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાં નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી હોવાથી ઓલ ઇન્ડિયા ક્વોટાના ત્રીજા રાઉન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે રાજ્યમાં પણ મેડિકલની 500થી વધારે બેઠકો ખાલી હોવા છતાં ત્રીજો રાઉન્ડ શરૂૂ થઇ શકશે નહીં. મેડિકલ-ડેન્ટલ માટે તાજેતરમાં બીજો રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો છે. હવે ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટેનો ત્રીજો રાઉન્ડ પૂરો થયા બાદ સ્થાનિક કક્ષાએ ખાલી પડેલી બેઠકો માટે ત્રીજો રાઉન્ડ શરૂૂ કરાશે.
પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની ચૂકવણી ન થતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી
રાજ્યની અનુ.જાતિની વિદ્યાર્થિનીઓ ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જેટલી ફી ભરી હોય તેટલી ફી ગુજરાત ડિજિટલ પોર્ટલ પર માહિતી અપલોડ કરવાથી પરત આપવામાં આવે છે. તાજેતરમાં એવી વિગતો બહાર આવી છે કે, વર્ષ 2023-24ની પોસ્ટ મેટ્રિક યોજના વિદ્યાર્થીઓએ કરેલી દરખાસ્તમાં હજુ સુધી સ્કોલરશીપ ચૂકવવામાં આવી નથી. મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ત્રીજા અને ચોથા સેમેસ્ટરની ફી ભરી હોવા છતાં હજુ સુધી શિષ્યવૃત્તિ ન મળતાં આગળની ફી કેવી રીતે ભરવી તેની સમસ્યા ઊભી થઇ છે.