કોડીનાર ઉના નેશનલ હાઇવે પર દેવળી દેદાજી ગામ નજીક ડિમોલિશન અટકાવવા આવેદનપત્ર
કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામના ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગના સેન્ટરથી 15-15 મીટરની ત્રિજ્યાની બહાર ચાલી રહેલા ડિમોલેશનની કામગીરી તાત્કાલિક અટકાવવા માટે આજે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને નાયબ કલેક્ટર, ઉના દ્વારા અગાઉ આપવામાં આવેલી લેખિત અને મૌખિક બાંહેધરીનો ભંગ કરીને આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, દેવળી ગામની સીમમાં 15-15 મીટરની ત્રિજ્યામાં રોડ બનાવવામાં આવ્યા બાદ ખેડૂતોને બાંહેધરી આપવામાં આવી હતી કે તેમની વધારાની જમીન હવે જોઈતી નથી. તેમ છતાં, ગઈકાલે, એટલે કે 12 જૂન, 2025ના રોજ, પ્રાંત અધિકારી દ્વારા ઓચિંતાનું ડિમોલેશન શરૂૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ પ્રાંત અધિકારીના વર્તન સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આવેદનપત્ર મુજબ, પ્રાંત અધિકારીનું વર્તન એક અધિકારીને છાજે તેવું નહોતું, તેમની ભાષા અભદ્ર અને વર્તન અશોભનીય, ઉગ્ર તથા વિસ્તારની શાંતિ હણનારૂૂ હતું. આ ઘટનાને કારણે આજે પણ ખેડૂતોમાં આક્રોશ અને અજંપાભરી પરિસ્થિતિ જોવા મળે છે.
ખેડૂતોએ મામલતદારને વિનંતી કરી છે કે, ડિમોલેશનની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો આમ કરવામાં નહીં આવે અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાશે, જાનહાનિ કે માલહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રાંત અધિકારી અને તંત્રની રહેશે. આ આવેદનપત્ર દેવળી ગામના તમામ ખેડૂતો વતી સુપરત કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ મુદ્દે ખેડૂતોમાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.