બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટમાં અરજી
સજા પરના નિર્ણય મુદ્દે ફેર વિચારણા કરી સરકાર વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણી હટાવવાની માંગ કરી
ગુજરાત સરકારે બિલ્કીસ બાનો દોષિતોને જેલમાં પાછા મોકલવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ગુજરાત સરકારે આ કેસમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને નિર્ણયમાંથી ગુજરાત સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની માંગ કરી છે.
8 જાન્યુઆરીએ બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ગુજરાત સરકારના દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના આદેશને રદ કર્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં ગુજરાત સરકાર સામે આકરી ટીપ્પણીઓ કરી હતી. રાજ્ય સરકારે તેમને હટાવવાની વિનંતી કરતી રિવ્યુ પિટિશન દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અદાલતે તેના નિર્ણયમાંથી બિલ્કીસ બાનો કેસમાં રાજ્યએ ગુનેગારો સાથે કામ કર્યું જેવી સરકાર વિરોધી ટિપ્પણીઓને દૂર કરવી જોઈએ.
મહત્વનું છે કે, 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને જેલમાં પાછા મોકલવાનો આદેશ આપતાં ગુજરાત સરકારના અકાળે મુક્તિના આદેશને રદ કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે અને આરોપીઓ સાથે સાંઠગાંઠ કરે છે તેવી ટિપ્પણીઓ ખૂબ જ અયોગ્ય છે. કોર્ટે કરેલી આ ટિપ્પણીઓને કારણે રાજ્ય સરકારની છબીને ઘણું નુકસાન થયું છે. નોંધનિય છે કે, મે 2022માં સુપ્રીમ કોર્ટના આદેશના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખુદ ગુજરાત સરકારને 2022માં મુક્તિ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. 2022ના નિર્ણયને કારણે જ 1992ના મુક્તિ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે અરજીમાં જણાવ્યું છે કે,ગુજરાત રાજ્ય પ્રતિવાદી નંબર-ત્રણ સાથે મિલીભગતથી કામ કરે છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ અવલોકન સંપૂર્ણપણે ગેરવાજબી છે. 8 જાન્યુઆરીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા 11 લોકોને આપવામાં આવેલી પ્રતિરક્ષા રદ કરી હતી અને આદેશ આપ્યો હતો કે તેઓને બે અઠવાડિયામાં પાછા જેલમાં મોકલવામાં આવે.