રાસ-ગરબામાં DJના ઉપયોગ માટે પરવાનગી ફરજિયાત
GPCBનું જાહેરનામું, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છતાંય બેફામ ધ્વનિ પ્રદૂષણ, હાઇકોર્ટ આકરા પાણીએ
ગુજરાત હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણના બેકાબૂ દૂષણ પર સરકાર અને સંબંધિત સત્તાધીશોની નિષ્ફળતા સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના સ્પષ્ટ જાહેરનામાઓ હોવા છતાં, શહેરોમાં ડીજે અને લાઉડસ્પીકરનો ઘોંઘાટ યથાવત છે, જે લોકો માટે એક ગંભીર સમસ્યા બની ગયો છે.
ન્યાયાધીશ એ.એસ. સુપહિયા અને ન્યાયાધીશ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે એક ક્ધટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન સત્તાવાળાઓ પર તીવ્ર ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, રસ્તાઓ પર 20-20 ફૂટ ઊંચા ડીજે અને વધુ પડતો અવાજ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે પોલીસને ધ્વનિ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરાવવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
નવરાત્રિ નજીક છે ત્યારે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. કોર્ટે જણાવ્યું કે, દરેક રાસ-ગરબા માટે ડીજેનો ઉપયોગ કરવા પહેલાં પરવાનગી લેવી ફરજિયાત છે. એટલું જ નહીં, અવાજનું વોલ્યુમ નિયત ધારાધોરણ કરતાં વધુ રાખી શકાશે નહીં. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે, જે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે.
અરજદારોએ કોર્ટનું ધ્યાન દોર્યું કે નિયમો માત્ર કાગળ પર જ રહ્યા છે. વાસ્તવિકતામાં, ડીજેનો અવાજ 129 ડેસીબલ કે તેથી પણ વધુ હોય છે, જે ગંભીર ખતરો ઊભો કરે છે. ડીવાયએસપીને બદલે પીઆઈ કક્ષાના અધિકારીઓ મંજૂરી આપી રહ્યા છે, અને શૈક્ષણિક સંકુલો જેવા સાયલન્ટ ઝોનમાં પણ બેફામ મંજૂરીઓ અપાઈ રહી છે. આ સ્થિતિ બતાવે છે કે નિયમો હોવા છતાં, તેમનું પાલન કરાવવામાં સરકાર નિષ્ફળ રહી છે.
નિયમો તો છે, પણ પાલન ક્યાં?
સરકાર અને GPCB દ્વારા હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું કે ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે સ્પષ્ટ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવામાં આવી છે. આ નિયમો મુજબ: રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ડીજે અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે. માત્ર ડીવાયએસપી કક્ષાના અધિકારી જ સાઉન્ડ સિસ્ટમ માટે મંજૂરી આપી શકે છે. અવાજ 75 ડેસીબલથી વધુ ન હોવો જોઈએ, અને તે જે-તે વિસ્તારના નિયત ધારાધોરણ કરતાં 10 ડેસીબલથી વધુ ન વધવો જોઈએ. સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું પણ ફરજિયાત છે. જો નિયમોનું ઉલ્લંઘન થાય, તો પોલીસ કાર્યવાહી કરી શકે છે અને સાઉન્ડ સિસ્ટમ પણ જપ્ત કરી શકે છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો વગેરેની 100 મીટરની ત્રિજ્યામાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત છે.