કામગીરીની કદર: 110 પોલીસકર્મી-અધિકારીઓને એવોર્ડ
- રાજકોટના ક્રાઈમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સીઆઈડી ક્રાઈમના પીઆઈ કે.કે.જાડેજા સહિતના અધિકારીઓ, કર્મચારીઓને ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ જાહેર
રાજ્યના પોલીસ તંત્રમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ રાજ્યના પોલીસ વડાએ પોલીસ કોન્સ્ટેબલથી લઈને એડીશનલ ડી.જી.કક્ષાના 110 કર્મચારીઓ અધિકારીઓને ડી.જી.પી.એવોર્ડથી સન્માનિત કર્યા છે. આવતીકાલે ગાંધીનગર કરાઈ ટ્રેનીંગ સેન્ટર ખાતે તમામ કર્મચારીઓ અને અધિકારીઓને રાજ્યના પોલીસ વડા વિશેષ મેડલથી સન્માનિત કરશે.રાજ્યના પોલીસ તંત્રમાં વર્ષ 2022માં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલીસ વડા વિકાસ સહાયએ યાદી તૈયાર કરાવી હતી. જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ સહિતના 110 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલી ડી.જી.પી.એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર કરાઈ ટ્રેનીંગ સેન્ટર ખાતે આવતીકાલે સવારે 10 વાગ્યે સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પસંદગી પામેલા અધિકારીઓ અને કર્મચારીઓ ડ્રેસમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. અધિકારીઓ માટે સ્લીવ્સ રોલ્ડ-અપ, પી-કેપ, ક્રોસબેલ્ટ, સ્કાર્ફ પહેરીને આવવા આદેશ કરવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યે પ્રેકટીસ બાદ બપોરે 3 વાગ્યે સમારંભમાં તમામ અખિકારીઓ કર્મચારીઓને ડીજીપી પદકથી સન્માનિત કરવામાં આવશે.
આ સન્માન સમારોહમાં પસંદગી પામેલા અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવારના બે સભ્યોને પણ સમારંભમાં લાવવાની મંજુરી આપવામાં આવી છે. રાજ્યના પોલીસ વડાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરેલા અધિકારીઓમાં અગાઉ રાજકોટનાં જોઈન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુકેલા એડીશ્નલ ડીજી ખુરશીદ અહેમદ, આઈ. જી.નિપૂણા તોરવણે, એસ. પી. ગૌરવ જસાણી, એડીશ્નલ ડી. જી. એસ. પી. રાજકુમાર, રાજકોટ ક્રાઈમ બ્રાંચના ડીસીપી પ્રાર્થરાજસિં ગોહિલ, સીડીઆઈ ક્રાઈમના એસ.પી.સંજય જ્ઞાનદેવ ખરત, ધર્મેન્દ્ર શર્મા, સાયબર ક્રાઈમના એસ.પી.અજીત રાજયાણ, ગાંધીનગરના એસ.પી.રવિતેજા વાસમશેટ્ટી, ગાંધીનગરના એસ.પી.પ્રેમસુખ ડેલુ, દાહોદના એસ.પી.રાજદીપસિંહ ઝાલા અને વીઆઈપી સુરક્ષાના એસ.પી.ચિંતન તેરૈયા, વડોદરાના એસ.પી.યુવરાજસિંહ જાડેજા, અમદાવાદના એસ.પી.નિતાબેન દેસાઈ અને ડો.કાનન દેસાઈનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રાજ્યના 16 ડીવાયએસપી, 24 ઈન્સ્પેકટર જેમાં રાજકોટ રૂરલમાં ઉપલેટા ખાતે અગાઉ ફરજ બજાવી ચુકેલા અને હાલ રાજકોટ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતાં પીઆઈ કે.કે. જાડેજા અગાઉ રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ મુંદ્રા પીઆઈ તરીકે ફરજ બજાવતાં જે.વી.ધોડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 16 પોલીસ સબ ઈન્સ્પેકટર, 13 એએસઆઈ, 8 હેલ્થ કોન્સ્ટેબલ, 17 પોલીસ કોન્સ્ટેબલને પણ રાજ્યના પોલીસ વડા તરફથી વિશેષ મેડલ આપવામાં આવશે.