જૂનાગઢમાં અશાંતધારો લાગુ ન પડે તો લોકો રસ્તા પર ઉતરશે
અધિક કલેકટરને આવેદન આપી 20મી સુધીનું અલ્ટિમેટમ, હિન્દુ હિત રક્ષક સમિતિની બેઠક મળી
સંત અને સુરાની ભૂમિ એવી જૂનાગઢ નગરીને બચાવવા માટે હવે અશાંતધારો લાગુ કરવા અનેક હિન્દુ સંસ્થાઓ અને સ્થાનિક લોકોમાં જબરો જુવાળ શરુ થયો છે, બુધવારે રાતે જોશીપરામાં હિન્દુ હિત રક્ષક સમિતિની બેઠક મળી હતી અને આગામી 20 ઓગસ્ટે સ્વયંભૂ આખું ગામ આ મુદ્દે રોડ ઉપર ઉતરશે તેવો નિર્ણય કરાયો છે તો બીજી તરફ અહીંના વોર્ડ-9 ના 300 જેટલા નાગરિકો દ્વારા અશાંતધારાને લઈને અધિક કલેકટરના આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ અગાઉ ઉપરકોટ પાસેના વિસ્તારમાં પણ અશાંતધારાને લઈને જૈન સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સુધી અત્યાર સુધીમાં 9 જેટલી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કેમ કરાતો નથી તેવ અનેક સવાલો સર્જાઈ રહ્યા છે, જ્યાં સંત અને સુરાની ભૂમિ છે, તેવા ભવનાથ વિસ્તારને પણ અશાંતધારા હેઠળ આવરી લેવા તેમજ જોશીપરાના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી છે.
શહેરના વોર્ડ નંબર-9 ના સ્થાનિક 300 જેટલા રહીશો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા અને અશાંતધારો લાગુ કરવાની માગ કરી હતી. વોર્ડ નંબર 9ના વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારો સંવેદન સીલ તેમજ હિંદુ સમાજની આસ્થા કેન્દ્ર છે. વોર્ડ.9માં ઉપરકોટ વિસ્તાર, વાણદ સોસાયટી વિસ્તાર, ગોધાવાવ ની પાટી, ગીરનાર દરવાજા, ભરડા વાવ, ગાયત્રી નગર કામદાર સોસાયટી, કૈલાશ નગર, દુબળી પ્લોટ વાંજાવાળ, ભવનાથ, ગણેશનગર, ઉપલા દાતાર સીડી ડેમ વિસ્તાર આ વિસ્તાર અતિ સંવેદન સીલ તેમજ બોર્ડર વિસ્તાર છે.
છાશવારે અહીં નાની મોટી તકરારો જે આ સાથે ભૂતકાળમાં નોંધાયેલી ફરિયાદ તેમજ આવેદનપત્ર સાથે સામેલ છે. ખાસ કરીને ભવનાથ વિસ્તાર જેનું રાષ્ટ્રીય સ્તરે હિંદુ સમાજ માટે આસ્થા તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર છે. જો ભવનાથ વિસ્તારમાં કોઈ જો અઘટીત થશે તો તેનું રાષ્ટ્રીય વ્યાપી સ્તરે ઉગ્ર આદોલનો થવાની સંભાવના રહે છે.