સિંહ-દીપડાના હુમલામાં ઘવાયેલા લોકો ત્રણ દિવસ હોસ્પિટલમાં રહે તો જ વળતર મળે
- સરકારનો વિચિત્ર નિયમ, છેલ્લા બે વર્ષમાં કુલ 45 લોકોના સિંહ-દીપડાએ ફાડી ખાતા મોત
ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષીણ ગુજરાતના જંગલીય વિસ્તારોમાં અવાર નવાર વન્ય પ્રાણીઓના માનવી ઉપર હિંસક હુમલાના બનાવો બનતા રહે છે. અમુક કિસ્સામાં તો ભોગ બનનાર વ્યકિતનું મૃત્યુ પણ નિપજતું હોય છે. આવા હુમલાના કિસ્સામાં સરકાર દ્વારા વળતર અપાતું હોય છે. પરંતુ વળતર માટેનો નિયમ એવો છે કે હુમલાનો ભોગ બનનાર વ્યકિતએ ત્રણ દિવસ કે તેથી વધુ સમય હોસ્પીટલમાં સારવાર લીધેલ હોવી જોઇએ. સરકાર દ્વારા વિધાનસભામાં આ માહિતી રજુ કરવામાં આવી હતી. પંદરમી વિધાનસભાના ચોથા સત્રમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રશ્નમાં વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સિંહ અને દિપડાના હુમલાથી મૃત્યુ અને ઇજા પામવાના કુલ 286 બનાવો નોંધાયા છે. જે પૈકી 259 કિસ્સાઓમાં વળતર ચુકવવામાં આવ્યું છે. 21 કિસ્સાઓમાં ભોગ બનનારે ત્રણ દિવસ કે તેથી વધુ સમય હોસ્પીટલમાં સારવાર લીધેલ ન હોય તેમને વળતર ચુકવાયું ન હતું. આ ઉપરાંત સિંહ અને દિપડા દ્વારા હુમલાથી થયેલ માનવ મૃત્યુના બનાવોમાં 2022ની સરખામણીએ 2023માં 60 ટકાનો વધારો નોંધાયો છે.
વર્ષ 2022માં કુલ 17 મૃત્યુ સામે વર્ષ 2023માં કુલ 18 વ્યકિતઓના મોત સિંહ અને દિપડાના હુમલાથી થયા હતા. વર્ષ 2022 દરમિયાન સિંહ અને દિપડાએ હુમલો કરીને ઇજા પહોંચાડવાની કુલ 105 ઘટનાઓ નોંધાઇ હતી. જયારે વર્ષ 2023 દરમિયાન કુલ 136 બનાવો નોંધાયા હતા.