વડાપ્રધાનના રોડ-શોના રૂટ ઉપર લોકો ઘરોમાં કેદ
- દરવાજા બહાર અત્યારથી બેરિકેડ લગાવી દેતા લોકોમાં દેકારો
- પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા, 24 કલાક પહેલાં જ પોલીસ સ્ટેન્ડ બાય
રાજકોટમાં આગામી તા.25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો એ લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે તંત્ર દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અન્વયે રોડ શોના રૂટ ઉપર કેટલીક સોસાયટીઓમાં બેરીકેડ લગાવી દેવામાં આવતા લોકો ઘરમાં કેદ થઇ ગયા છે. લોકો પોતાના જ ઘરની બહાર નીકળવામાં અને વાહનો પાર્ક કરવા સહિતની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો ઉપરાંત રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જાહેર સભા યોજાવાની છે. ઉપરાંત વડાપ્રધાન રાજકોટમાં ત્રીજી વખત રોડ શો કરવા જઇ રહ્યા છે. જૂના એરપોર્ટથી લઇ રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી 800 મીટરનો રોડ શો યોજાવાનો હોય. રોડ શોમાં ટ્રાફીક વ્યવસ્થા ખોરવા નહી તે માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડી રેસકોર્ષ અને આજુબાજુના 14 રાજમાર્ગો ઉપર પ્રવેશબંધી ફરમાવી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
રવિવારે કાર્યક્રમ યોજાવાનો છે પરંતુ પોલીસ દ્વારા ત્રણ દિવસ પહેલથી જ રોડ શોનો રૂટ એરપોર્ટ રોડ પર અનેક સોસાયટીઓમાં બેરીકેડ લગાવી લઇ રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલાથી જ ઘરના દરવાજા આગળ બેરીકેડ લગાવી દેવાતા લોકો જાણે ઘરમાં કેદ થઇ ગયા હોય તેવનો માહોલ સર્જાયો છે જેથી લોકોમાં ભારે દેકારો બોલી ગો છે.
રોડ શોના રૂટ પર આવેલી સોસાયટીઓમાં રહેતા લોકોને ઘરની બહાર નીકળવામાં અને વોકિંગમાં જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. લોકો ઘર પાસે વાહન પાર્ક કરી શકતા નથી અને પોતાના જ વાહન ઘરથી ક્યાંય દુર પાર્ક કરી ઘરે જવાની ફરજ પડી રહી છે. જેથી લોકો વિરોધ કરી રહ્યા છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇ પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠોી દેવામાં આવી છે. રેસકોર્ષમાં સભાસ્થળ અને રોડ શોના રૂટ ઉપર 24 કલાક પહેલાથીજ પોલીસને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ બોલવામાં આવી છે. એસપીજી કમાન્ડોએ પણ રાજકોટ આવી પહોંચી એક્શન મોડ પર કામગીરી શરૂ કરી દીધી છે.
બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25મીએ રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો માટે આવનાર હોય અને રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સભા અને રોડ શો યોજાનાર હોય જેથી પોલીસ દ્વારા સભા સ્થળ અને રોડ શોના રૂટ ઉપર સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા રીહસેલ યોજી બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોટની મદદથી સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.