ઢેબર રોડ પર કેનેરા બેંકમાં પ્યુનનું હાર્ટએટેકથી મોત
ઈન્દિરા સર્કલ પાસે આવેલી બ્રાંચમાં નોકરી કરતો યુવાન હડતાલ હોવાથી અન્ય બ્રાન્ચે બેસવા ગયો’તો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના ઢેબર રોડ પર કેનેરા બેંકમાં પ્યુનનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગર શેરી નં.3માં રહેતો આનંદ મુકેશભાઈ મુલીયાણા (ઉ.37) નામનો યુવાન ઈન્દીરા સર્કલ પાસે આવેલી કેનેરા બેંકમાં પ્યુન તરીકે નોકરી કરતો હોય આજે હડતાલ હોવાથી ઢેબર રોડ પર વન-વે માં આવેલી કેનેરા બેંકમાં આંટો મારવા ગયો હતો ત્યારે ત્યાં બેઠો હતો અને અચાનક હાર્ટએટેક આવતાં બેભાન થઈ ઢળી પડયો હતો.
જેથી તેને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. તબીબો દ્વારા હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે એ-ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક આનંદ બે ભાઈ એક બહેનમાં મોટો હોવાનું જાણવા મળ્યું છે.