દ્વારકા ચાલીને જતા પદયાત્રીકોને પોલીસ તંત્ર દ્વારા રેડિયમ પટ્ટી લગાવાઇ
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે કાળીયા ઠાકોર સંગ ધુળેટી પર્વ મનાવવા માટે હાલ ખંભાળિયા વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ચાલીને જતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે આ પદયાત્રીઓ સાથે કોઈ વાહન અકસ્માત ન સર્જાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા એક સકારાત્મક અને સુરક્ષાત્મક પગલું લેવામાં આવ્યું છે.
આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ડી વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તથા ટ્રાફિક પોલીસ દ્વારા હોળી ધુળેટી પર્વ અનુસંધાને દ્વારકા જતા પદયાત્રીઓની સલામતીના ભાગરૂપે રાત્રિના સમયે વાહન ચાલકો એલર્ટ થાય તે હેતુથી પદયાત્રીઓને રેડિયમ રિફલેકટર (પટ્ટીઓ) લગાવવામાં આવી છે. આટલુ જ નહીં, આ હાઈવે પર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પદયાત્રીઓને જરૂરી સૂચનો પણ એનાઉન્સમેન્ટ સિસ્ટમથી કરવામાં આવે છે.