સંક્રાંત પહેલાં ચાઈનીઝ દોરીથી રાહદારીનું ગળું કપાઈ જતાં મોત
બોડેલીમાં બનેલી ઘટના, રસ્તામાં લટકતા દોરાએ ભોગ લીધો
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ડભોઇ રોડ ઉપર બાઈકસવારના ગળામાં પતંગનો ચાઈનીઝ દોરો ભરાઈ જતાં ગંભીર ઇજા થઇ હતી. સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ લોહીલુહાણ હાલતમાં ચાલકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપી વડોદરા રિફર કરાતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
અલીપુરા ચાર રસ્તા પાસે હૃદયદ્રાવક બનાવ બન્યો હતો. રસ્તા પરથી પસાર થતા સંખેડાના વાગેથા ગામના બાઈકસવાર જગદીશ તરબદા (ઉ.56)ના ગળામાં રસ્તા પર લટકતો પતંગનો ચાઇનીઝ દોરો અચાનક ફ્સાયો હતો.
જગદીશભાઈના ગળામાં ચાઈનીઝ દોરો ગળામાં ફ્સાતાં ઊંડો ઘા થઈ ગયો હતો. અને ભારે રક્તસ્ત્રાવ શરૂૂ થયો હતો. રાહદારીઓએ ગંભીર હાલતમાં તેઓને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ લોહી વધુ વહી જવાથી સ્થિતિ ગંભીર બનતા ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા લઈ જવાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. સ્થાનિકોમાં ચાઈનીઝ દોરાને લઈ ભારે રોષ ફેલાયો છે. ઉતરાણ નજીક આવતી હોય, ચાઈનીઝ દોરાના વપરાશ પર નિયંત્રણ અને પ્રતિબંધનો કડક અમલ કરાવવાની માંગ ઉઠી છે.