બેડી અને જોડિયા બંદરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તનાવ ભરી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે જામનગર જિલ્લાના સાગર કિનારાઓ ઉપર સુરક્ષા વ્યવસ્થા સધન બનાવાઇ છે, અને જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.જેના અનુસંધાને જામનગરના બેડી બંદર તેમજ જોડિયા બંદર ઉપર સઘન ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બેડી મરિન પોલીસ સ્ટેશન, એસ.ઓ.જી. ની ટુકડી ઉપરાંત જોડીયા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.જામનગરના બેડી બંદર તેમજ બેડી પોર્ટ સહિતના આસપાસના વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરાયું હતું, તેમજ બોટ પેટ્રોલિંગ કરાયું હતું.
ઉપરાંત જોડિયાના બંદર તેમજ કોસ્ટલ વિસ્તારમાં પણ જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુદી જુદી માછીમારી બોટો તેમજ માછીમારો વગેરેની પૂછપરછ કરવામાં આવી હતી.